ગિરનાર અંબાજી મંદિર શક્તિપીઠ ખાતે પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૩
ગિરનાર પર્વતના ૫૦૦૦ પગથિયે બિરાજમાન માતા અંબાજીના મંદિરે આજે વહેલી સવારથી પ્રાગટ્ય મહોત્સવ આરતી સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલીયા અને વહીવટદાર અને મામલતદાર વિપુલ પુરોહિત, નાયબ મામલતદાર લાલાભાઈએ પૂજા કરી માતાજીના આશીર્વાદ લીધા હતા. ૫૨ શક્તિપીઠો પૈકીની એક ઉદયનપીઠ તરીકે ઓળખાતી અંબાજી માતાજીના મંદિરે વહેલી સવારથી શ્રી સૂક્તના પાઠ, હોમ-હવન, અભિષેક, ધ્વજારોહણ, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરવાગઢ ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાનો પ્રાગટ્ય મહોત્સવ યાને પોષી પૂનમ એટલે જગતજનની માં અંબાજી માતાનો પ્રાગટ્ય દિવસ અને માતાજીનો જન્મદિવસ આજરોજ ધામધૂમથી ઉજવવા પર્વતોના પિતામહ હિમાલયના પર દાદા એવા ગરવાગઢ ગિરનારના ૫૦૦૦ પગથિયા ઉપર બિરાજમાન માતા અંબાજીના પ્રાચીન નિજ મંદિરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા હજારો માહી ભક્તોની હાજરીમાં માતાજીને વિશેષ સિંગાર સાથે શ્રીસુક્તના પાઠ, હોમ-હવન, ગંગાજળ-દૂધથી માતાજીને અભિષેક સાથે નિજ મંદિરના શિખર ઉપર ધ્વજા ચડાવવામાં આવી હતી. બપોરે મહા આરતી સાથે માતાજીને થાળ ધરીને ભાવિકોને મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો. સવારના ૭ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. માતાજીની કુલ ૫૨ શક્તિપીઠો પૈકીની ગિરનાર પર્વત ઉપરની આ શક્તિપીઠ ઉદયન પીઠ તરીકે ઓળખાય છે. અહીં માતાજીના ઉદર પેટનો ભાગ પડેલો છે, જેથી ઉદયન પીઠ તરીકે ઓળખાય છે. પુરાણ કથામાં ઉલ્લેખ છે તે મુજબ દક્ષ પ્રજાપતિ રાજાએ બૃહસ્પતિ નામનો એક મહાયજ્ઞનું આયોજન કરેલું જેમાં પ્રજાપતિ દક્ષ રાજાએ બધા દેવોને નિમંત્રિત કરેલા એકમાત્ર પોતાના જમાઈ શિવજીને આમંત્રણ ન આપતા સતિ પાર્વતીજીએ પિતાને ત્યાં આવડો મોટો યજ્ઞ થઈ રહ્યો હોય જેમાં મારા પતિ શિવ શંકરને આમંત્રણ નથી તેમ છતાં માતા યજ્ઞમાં જવા ભગવાન શિવજીની મનાઈ હોવા છતાં માતાજી પહોંચી ગયા અને પિતા દ્વારા પોતાના પતિની નિંદાસહન નથતાં અત્યંત દુ:ખી થયેલા માતા પાર્વતીજીએ યજ્ઞ કુંડમાં પડી જઈને પોતાનો દેહ ત્યાગી દીધો હતો. જે વાતની ભગવાન શિવને જાણ થતા શિવજીએ માતા પાર્વતીના અચેતન દેહને ખંભે ઉંચકી તાંડવ કરવાનું શરૂ કરી દેતા સૌ કોઈ દેવતાઓ ડરી ગયા અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે ભગવાન તમે જ કંઈક કરો નહીં તો સમગ્ર સૃષ્ટિનો સર્વનાશ થઈ જશે ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શનચક્ર દ્વારા દેવીના શરીરના ૫૨ ટુકડા કરી અને ટુકડા જ્યાં જ્યાં પડ્યા છે તે સ્થળે માતાજીની શક્તિપીઠ નિર્માણ પામી હતી. જેમાંની એક શક્તિપીઠ ગિરનાર પર્વત ઉપર માતા અંબાજીની ઉદયન પીઠ તરીકે ઓળખાય છે. આ વખતનો મહોત્સવ મંદિરના બંને મહંત બ્રહ્મલીન થતા તેમની ગેરહાજરીમાં મંદિરના પૂજારી અને સ્ટાફ દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર જૂનાગઢ પ્રાંત અધિકારી અને મામલતદારની ઉપસ્થિતિમાં મહોત્સવ ઉજવાય રહ્યો છે.



