ગીરગઢડા તાલુકાના જામવાળામાં મિત્રોની પાર્ટીમાં માથાકુટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા યુવાનની હત્યા
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.24
ગીરગઢડા તાલુકાના જામવાળા ગીર ગામે સામા કાઠે આવેલ સરકારી જમીન ઉપર જામવાળા ગીર ગામના મેહુલ હકુભાઈ વળવાતર અને તેમના મિત્રો સાથે જમવાની પાર્ટી કરી હતી. પાર્ટી જામી હતી ત્યારે કોઈ બાબતે મિત્રો સાથે મેહુલને ઝઘડો થયો હતો અને મિત્રોએ ઉશ્કેરાઈ જઈ મેહુલની આંખમાં સ્પ્રે છાંટી તેમની ઉપર પથ્થર વડે આડેધડ ઘા મારી ગંભીર ઇજાઓ કરી નાસી ગયા હતા અને મેહુલનું ઘટના સ્થળે મોત થયું હતું. ખેતરમાં લાશ પડી હોવાની પોલીસને માહિતી મળી હતી. ગીરગઢડાના પોલીસ ઇન્સ્પેકટર, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ઊના પ્રાંતના નાયબ પોલીસ અધિક્ષક સી.સી. ખટાણા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લાશનું પંચનામું કરી મરણ જનારના ભાઈ હિતેશ હકુભાઈ વળવાતર રે. જામવાળાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી કોડીનાર તાલુકાના વડનગર ગામના કરણ શંભુ ડગીયા, પિયુષ શંભુભાઈ ડગીયા, મહેશ ઉર્ફે દીકુ શંકરભાઈ મકવાણા, અજય વનાભાઈ ગુજરિયા, દેવા ભરતભાઈ રાઠોડ સાથે તેનો ભાઈ પાર્ટી કરવા ગયો હતો. તેમણે મેહુલ ઉપર હુમલો કરી ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવી નાસી ગયા હતા. પોલીસે પાંચ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારજનો જ્યાં સુધી આરોપી પકડાય ન જાય ત્યાં સુધી લાશ સ્વીકારવાની ના પાડી હતી પરંતુ ડીવાયએસપી ખટાણાની સમજાવટથી લાશને ગીરગઢડા હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી છે. આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મેહુલના પગમાં ફેક્ચર છે અને શરીરના ભાગે ઈજાઓ પહોંચી છે. પોલીસે સ્થળ ઉપરથી સ્પ્રેની બોટલ લોહી વાળું ગોદડું, છુટ્ટા પથર વિગર કબ્જે કરી એફએસએલમાં તપાસ માટે મોકલી આપેલ છે. આરોપીઓને પકડવા જુદી જુદી ટીમ બનાવી તપાસ શરૂ છે. છેલ્લે જાણવા મુજબ પોલીસે પાંચ આરોપીઓને અટક કરી હુમલાનું સાચું કારણ જાણવા કોશિશ કરી રહ્યા છે. નાના એવા જામવાળા ગામમાં હત્યાનો બનાવ બનતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. જાણવા મળતી વિગતો મુજબ આરોપી રીઢા ગુનેગારો છે.


