ઉનામાં ગોંદરા ચોક પાસે નશાની હાલતમાં છુટ્ટા પથ્થરના ઘા મારી લોકોને ભય ફેલાવી કાચ ફોડી નાખી નુકશાન કરતા બે શખ્સોને પોલીસે પકડી જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.૭
ગત તા.૪-૩ને ધૂળેટીના રાત્રીના ટાવર ચોક પોલીસ ચોકીથી ૧૦૦ મીટર દૂર ગોંદરા ચોક વિસ્તારમાં અમુક આવારા માથા ભરેલ શખ્સોનું ટોળું નશાની હાલતમાં ત્યાંથી પસાર થતી મોટર કાર અને બાઇક અને મોટર સાયકલ ઉપર પથ્થર મારી કાચ ફોડી લોકોમાં ભય ફેલાવતા હોય. લોકો ગભરાઈ ગયા હતા. જાણે આ લોકોને પોલીસ કે કાયદાનો કોઈ પણ જાતનો ડર ના હોય તેવું વર્તન કરતાં હતા. એક જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં ફોન કરતા પોલીસ સ્થળ ઉપર આવી વિક્રમ રામસિંગ સોલંકી અને મુકેશ રામસિંગ સોલંકીની ધરપકડ કરી હતી અને આજે તેમને પોલીસ બંદોબસ્ત વચ્ચે દોરડા બાંધી સ્થળ ઉપર લાવી જાહેરમાં સરઘસ કાઢી ગોંદરા ચોકમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ બનાવમાં બીજા અન્ય કોઈ સંડોવાયેલ હશે તો તેમને પણ છોડવામાં નહીં આવે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.


