દ્વારકાના લાડવા ગામની સીમમાં જુગારના ધમધમતા અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી, રૂા. ૨.૪૫ લાખના મુદ્દામાલ સાથે નવ ઝબ્બે

દ્વારકાના લાડવા ગામની સીમમાં જુગારના ધમધમતા અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી, રૂા. ૨.૪૫ લાખના મુદ્દામાલ સાથે નવ ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૨૦
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ શ્રાવણી જુગાર પર પોલીસ તંત્ર દ્વારા ધોંસ બોલાવવામાં આવી રહી છે. આ વચ્ચે સાથે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જાેશી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્વારકા વિસ્તારમાં એલસીબીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ આંબલીયા અને પીઠાભાઈ ગોજીયાને મળેલી બાતમીના આધારે દ્વારકા નજીક આવેલા લાડવા ગામના વાડી વિસ્તારમાં રહેતા ભીમાભા લાલાભા વાઘા નામના શખ્સ દ્વારા પોતાના વાડીના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી અને અહીં જુગાર રમવા માટે લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી અને તેના બદલામાં નાલ ઉઘરાવી, રમાડાતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ દરોડા દરમિયાન પોલીસે ભીમાભા લાલાભા વાઘા, વેજાભા સાર્દૂરભા જામ, હધુભા ભીખાભા નાયાણી,  અંકિત ભીખારામ દુધરેજીયા, છગન ખેતા લધા, જેસાભા લાલાભા ભઠ્ઠડ, મનુભા રામસીભા માણેક, ભાવુભા જીવાભા વાઘા અને કનૈયાભા ગગાભા વાઘા નામના નવ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા ૧,૧૦,૨૦૦ ની રોકડ રકમ તથા રૂપિયા ૩૫,૦૦૦ ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન, ટોર્ચ લાઈટ અને રૂપિયા એક લાખની કિંમતના ચાર મોટરસાયકલ મળી, કુલ રૂ. ૨,૪૫,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો દર્જ કરવામાં આવ્યો હતો.