ગિરનાર લીલી પરિક્રમા પૂર્વે જ ભવનાથમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું
ભવનાથ તળેટી ‘જય ગિરનારી‘ના નાદથી ગુંજી ઉઠી છે અને સમગ્ર વિસ્તારમાં મેળા જેવો માહોલ જાેવા મળી રહ્યો છે
જૂનાગઢ,તા.૨૦
આસ્થાના મહાપર્વ સમાન ગિરનારની લીલી પરિક્રમાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢના ભવનાથ તળેટીમાં અત્યારથી જ ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો છે. ભવનાથ ક્ષેત્રમાં દુરદુરથી મોટી સંખ્યામાં ભાવિકો અને યાત્રિકોનું આગમન શરૂ થઈ ગયું છે.
ભવનાથ તળેટી ‘જય ગિરનારી‘ના નાદથી ગુંજી ઉઠી છે અને સમગ્ર વિસ્તારમાં મેળા જેવો માહોલ જાેવા મળી રહ્યો છે.
પરિક્રમા માટે વહેલા પહોંચી ગયેલા શ્રદ્ધાળુઓએ ભવનાથ તળેટીમાં જ પોતાના જૂથ સાથે પડાવ નાખવાનું શરૂ કર્યું છે. કોઈ વૃક્ષોની છાયામાં તો કોઈ ખુલ્લા આકાશ નીચે ચૂલા સળગાવીને પોતાના હાથે ભોજન અને પ્રસાદ તૈયાર કરી રહ્યું છે. પરિક્રમા શરૂ થવાની આતુરતામાં ભક્તો ભજન-કીર્તન અને ભોજનની તૈયારીઓમાં વ્યસ્ત જાેવા મળી રહ્યા છે. યાત્રિકોની સુવિધા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને મંડળો દ્વારા અન્નક્ષેત્રો શરૂ કરી દેવામાં આવ્યાં છે. અહીં મોટી સંખ્યામાં સ્વયંસેવકો ભોજન તૈયાર કરવાની સેવામાં જાેડાયા છે. શાકભાજી સમારવાથી લઈને ગાંઠિયા અને ફરસાણ તૈયાર કરવા સુધીની કામગીરી રાત-દિવસ ચાલી રહી છે. યાત્રિકોને ગરમાગરમ ભોજન અને પ્રસાદ મળી રહે તે માટે અનાજ, કઠોળ, તેલ, શાકભાજી અને બળતણનો પૂરતો જથ્થો એકત્ર કરવામાં આવ્યો છે. લાખો યાત્રિકોના આગમનની સંભાવનાને ધ્યાનમાં રાખીને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પીવાના પાણી માટે ટેન્કરો અને રાત્રિના સમયે પ્રકાશની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. બીજી તરફ, વહીવટી તંત્ર અને વિવિધ સેવા મંડળો દ્વારા યાત્રિકોની સુરક્ષા, આરોગ્ય અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સત્તાવાર પરિક્રમા શરૂ થાય તે પહેલાં જ ભવનાથમાં ઉમટી રહેલા શ્રદ્ધાળુઓની સંખ્યાને જાેતા આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ગિરનારની લીલી પરિક્રમામાં જાેડાય તેવી શક્યતા છે. અન્નક્ષેત્રો, સેવાકીય પ્રવૃત્તિઓ અને ભક્તિમય વાતાવરણને કારણે ભવનાથ તળેટી આસ્થાના રંગે રંગાઈ ગઈ છે.


