જૂનાગઢ શહેરમાં ટ્રાફીકની સમસ્યાથી જનતા ત્રસ્ત

રસ્તા ઉપર પુરઝડપે દોડતા  વાહનો, જયાં ત્યાં ફોરવ્હીલર, થ્રી વ્હીલર, ટુ વ્હીલર વાહનો ઉભા રાખવા : નિયમોના ઉલ્લંઘન સામે કોઈ કહેનાર નથી તેવો ઘાટ!

જૂનાગઢ શહેરમાં ટ્રાફીકની સમસ્યાથી જનતા ત્રસ્ત
AI Image

જૂનાગઢ તા. ૧૯
જૂનાગઢ શહેરની ટ્રાફીક સમસ્યા દિવસે દિવસે હલ થવાના બદલે વધતી જઈ રહી છે. શહેરમાં આડેધડ દોડતા વાહનોને કારણે રસ્તા પર જતા રાહદારીઓને અકસ્માતનો રહેતો ખતરો ગમે ત્યાં વાહન પાર્કીંગ કરી નાખવું, જાણે કોઈ પુછનાર કે રોકટોક કરનાર ન હોય તેવી સ્થિતી જૂનાગઢમાં જાેવા મળે છે. શહેરનાં મુખ્ય માર્ગો ઉપર તો દિવસમાં અનેકવાર ટ્રાફીક જામનાં દ્રશ્યો જાેવા મળે છે. વકરતી જતી ટ્રાફીક સમસ્યાને લઈને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહયા છે. ત્યારે ટ્રાફીકનાં નિયમોનું કડક પાલન કરી અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની લોકોમાંથી માંગણી થઈ છે. પ્રવાસ નગરી અને ધાર્મિક ક્ષેત્રે પણ ઐતિહાસિક શહેર જૂનાગઢ પ્રસિધ્ધ હોય આ શહેરની મુલાકાતે વર્ષ દરમ્યાન લાખો પ્રવાસીઓ આવે છે. દરમ્યાન આવતીકાલ મધ્યરાત્રીથી ગિરનારની લીલી પરીક્રમાનો પ્રારંભ થઈ રહયો છે. ત્યારે પાંચ દિવસમાં પરીક્રમાનાં મેળામાં પણ દેશભરનાં ભાવિકો ઉમટી પડશે અને જેને લઈને પણ શહેરમાં ટ્રાફીક વધી રહયો છે. જૂનાગઢ શહેરમાં ટ્રાફીકની સમસ્યા સતત વકરતી રહી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા અવારનવાર બેઠકો બોલાવવામાં આવે, જરૂરી સુચનો કરવામાં આવે અને ફરજ પરના તૈનાત કર્મચારીઓને જરૂરી આદેશો જારી કરી અને ટ્રાફીકની સ્થિતી કંટ્રોલ કરવા જણાવવામાં આવે ત્યારે શહેરમાં ટ્રાફીક નિયમન માટેનાં કડક પગલા અને વ્યવસ્થા ગોઠવાઈ જાય, લોકોને પણ રાહત થાય કે હાશ.. ટ્રાફીક સમસ્યા હળવી બની છે. પરંતુ આ બધુ માત્ર ચાર પાંચ દિવસ સરસ રીતે ચાલે અને ફરી પાછું હતી એવી સ્થિતી ટ્રાફીક સમસ્યાની સર્જાઈ જાય છે. કહેવાનો મતલબ એટલો જ કે વર્ષો જુની ટ્રાફીક સમસ્યાનો આજ સુધીમાં કયારેય ઉકેલ આવ્યો નથી. જૂનાગઢ શહેરની  સાંકડી બજારો તેમજ સાંકડા માર્ગો રહેલા છે. મુખ્ય બજારોમાં તો આડા દિવસે પણ ટ્રાફીક રહેતો હોય છે તો તહેવારો સમયે તો ભારે ટ્રાફીક રહે છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરનાં મુખ્ય માર્ગો  ઉપર  રાહદારી, વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. તેમાં પણ કેટલાક મુખ્ય માર્ગો ઉપર રસ્તાની બંને સાઈડમાં કથિત દબાણો, તેમજ શહેરનાં માર્ગો ઉપર આડેધડ વાહનો પાર્ક કરી દેવામાં આવતા હોવાનાં કારણે પણ ટ્રાફીકની વ્યવસ્થા કથળે છે. રસ્તા ઉપર જતા ખાનગી વાહનોનાં ચાલકો કયારેક મોબાઈલ પર વાત કરતા જાેવા મળે અથવા તો અચાનક પોતાનું વાહન રસ્તામાં ઉભું રાખી દેવાને કારણે અકસ્માતની  ઘટના પણ વારંવાર બને છે. સામાન્ય રીતે એક ઉદાહરણ રૂપે જાેઈએ તો પોષ્ટ ઓફીસ રોડથી આઝાદ ચોક, આઝાદ ચોકથી તળાવ દરવાજા, બસ સ્ટેશન તળાવ દરવાજાથી આઝાદ ચોક અને કાળવા ચોક તરફ જવાનાં માર્ગો, ચિતાખાના ચોકથી ગાંધી ચોક ઉપરાંત એસટીથી ઝાંસીનાં પુતળા તરફ જતા રસ્તા ઉપર, ઝાંઝરડા રોડ થી ચોકડી સુધી તો ઠેકઠેકાણે વાહનો પાર્ક થયેલા જાેવા મળે તેમજ આઝાદ ચોક, જેનીલી શોપીંગ સેન્ટર, રાણાવાવ ચોક, કાળવા ચોકને સાંકળતા એમ.જી. રોડ ઉપર દિવસમાં ટ્રાફીક જામનાં બનાવો જાેવા મળે છે. આ તો માત્ર ઉદાહરણ છે. બાકી શહેરનાં મોટાભાગનાં રાજમાર્ગો ઉપર ટ્રાફીકનું ભારણ વધ્યું છે. તો સામે ટ્રાફીકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહયું છે. એવું નથી કે જૂનાગઢમાં ટ્રાફીક નિયમન માટેની કોઈ વ્યવસ્થા નથી. જૂનાગઢમાં વિવિધ ટ્રાફીક પોઈન્ટ ઉપર પોલીસ કર્મચારી ઉપરાંત ટ્રાફીક બ્રિગેડનાં કર્મચારી તૈનાત કરવામાં આવેલ છે. પીકઅપ અવરમાં કેટલાક કર્મચારીઓ પોતાની ફરજ જવાબદારી પુર્વક નિભાવતા જાેવા મળે છે અને લોકો સાથે પણ સારો વ્યવહાર કરતા જાેવા મળે છે. પરંતુ લોકોમાંથી એવી ફરીયાદો પણ ઉઠવા પામી છે કે, ટ્રાફીક નિયમન માટે કેટલાક તૈનાત કર્મી ફરજ બજાવતા ગપ્પા મારવામાં, બે ચાર કર્મી ભેગા થઈ વાતોનાં તડાકા મારતા જાેવા મળે છે અને આ અંગે અવારનવાર લોકોએ ફરીયાદો પણ કરી છે. જૂનાગઢ શહેરમાં માથાનાં દુ:ખાવારૂપ બની ગયેલ ટ્રાફીક સમસ્યા હલ કરવાનાં અસરકારક પગલા લેવામાં આવે તેવી આમ જનતામાંથી લાગણી અને માંગણી ઉઠી છે.