ગુજરાત પ્રદેશ ભાજપનાં નવનિયુક્ત મહામંત્રી પ્રશાંત કોરાટની જૂનાગઢ ખાતે ગોળતુલા કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૯
જૂનાગઢ જવાહર રોડ સ્થિત પવિત્ર સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારોથી ઓતપ્રોત એક દિવ્ય પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર ખાતે બિરાજમાન ભગવાન સિદ્ધેશ્વર મહાદેવના પરમ ભક્ત અને રાજકોટ ભાજપના અગ્રણી બાબુભાઈ નસીત દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટની ભક્તિભાવપૂર્વક ગોળતુલા કરવામાં આવી હતી. આ ગોળતુલા અંદાજે ૮૦ થી ૮૨ કિલો ગોળ વડે કરવામાં આવી હતી, જે સમૃદ્ધિ, મંગલકામના અને ઈશ્વરકૃપાનું પ્રતિક બની સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ કરી ગયું હતું. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રીની નિયુક્તિ બાદ પ્રથમ વાર શ્રી રાધારમણ દેવ, શ્રી રણછોડત્રિકમરાયજી તેમજ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ ના દર્શન કરી ગોળની ભારોભાર તુલા કરી ડો. પ્રશાંતભાઈ સવજીભાઈ કોરાટ પધારેલ તેમજ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવીજેનાથી કાર્યક્રમની ભવ્યતા અને ધામિર્ક મહત્તા વધુ વધારી હતી. આ અવસરે પ્રશાંતભાઈ કોરાટે બાબુભાઈ નસીત પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આવો આશીર્વાદસભર સન્માન જીવનમાં નવી ઉર્જા અને જનસેવાના સંકલ્પને વધુ દ્રઢ બનાવે છે.” સમગ્ર કાર્યક્રમ દરમ્યાન રાજકોટ ભાજપના અગ્રણી બાબુભાઈ નસીત સાથે રાજકોટના અનેક કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા સાથે જ જૂનાગઢ વિધાનસભાના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર આકાશ કટારા, શાસક પક્ષના નેતા મનન અભાણી, કોર્પોરેટર શૈલેષભાઈ દવે, પરાગ રાઠોડ, વિનસ હદવાણી સહિત જૂનાગઢ મહાનગર ભાજપના કાર્યકરો, આગેવાનો અને પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવભર્યો બનાવ્યો હતો. ભક્તિ, રાજકીય શિસ્ત અને સંસ્કારનું અનોખું સંમિલન દર્શાવતો આ પ્રસંગ ઉપસ્થિત સૌ માટે સ્મરણિય બની રહ્યો હતો.


