જૂનાગઢમાં યુવકનું અપહરણ કરી ઠાઠડીમાં બાંધી ગુપ્ત ભાગમાં ડામ દીધાનો ચકચારી બનાવ : આરોપીની ધરપકડ
દુબળી પ્લોટ વિસ્તારમાં બનેલા આ બનાવમાં પરીચીત શખ્સે અપહરણ કરી તેને નશીલી વસ્તુ સુંઘાડી અને બેભાન કર્યા બાદ ડામ દીધા હોવાનું બહાર આવેલ
જૂનાગઢ તા. ૧૯
જૂનાગઢ શહેરમાં બનેલા એક બનાવમાં એક શ્રમીક યુવાનનું પરીચીત શખ્સે જ અપહરણ કરી અને તેને નશીલી વસ્તુ સુંઘાડી બેભાન કર્યા બાદ માર મારી અને ગુપ્ત ભાગે ગરમ વસ્તુના ડામ દઈ ઈજા કર્યા હોવાનો એક બનાવ બહાર આવતા ચકચાર જાગી ઉઠી છે. વિધિ કરવાનાં બહાને આ યુવાનને લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં તેના ઉપર ડામ દેવા સહીતનું કાર્ય કરવામાં આવેલ. આ બનાવમાં ભોગ બનનાર યુવકે જયારે પોલીસ સમક્ષ કેફીયત નોંધાવી હતી. અને બાદમાં પોલીસે તાત્કાલીક અસરથી ગણતરીનાં કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી અને તેની સામે વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે.
જૂનાગઢમાં દુબળી પ્લોટમાં રહેતા હરેશ કરશનભાઈ પરમાર (ઉ.વ. ૪પ) તા. ૧૩ના રોજ ઘરે હતો ત્યારે વાણંદ સોસાયટીમાં રહેતો સાગર મનુભાઈ ચૌહાણ નામનો શખ્સ તેના ઘરે બપોરે બાઈક લઈને આવ્યો હતો અને મારા બાપાની વિધી છે તેમ કહીને બાઈકમાં બેસાડીને લઈ ગયેલ હતો. તેના ઘરે જવાના બદલે હરેશને તે શખ્સ દુબળી પ્લોટમાં આવેલ આરોગ્ય કેન્દ્રની પાછળના અવાવરૂ જગ્યાએ લઈ ગયેલ અને છરી બતાવી મારી નાખવાની ધમકી આપીને નશાકારક વસ્તુ સુંઘાડીને બેભાન કરી દીધો હતો. બીજા દિવસે તા. ૧૪ના રોજ સવારે ૭ વાગ્યે હરેશ ૧ર કલાક પછી ભાનમાં આવ્યો ત્યારે પોતાની જાતને અર્ધ નગ્ન હાલતમાં ઠાઠડીમાં દોરડા વડે બાંધેલી હાલતમાં જાેયો અને શરીરમાં વાસામાં અને હાથમાં ઈજા થયેલાના નિશાન અને ગુપ્તાંગમાં ડામ દીધા હોય અને માથાના અમુક વાળ ખેંચી લીધાનું ધ્યાને આવ્યું હતું. અને બાજુમાં કાળા કલરનું કપડું અને ફુલહાર અને કંકુ જાેવા મળ્યા હતા. સ્વસ્થ થઈને હરેશ પોતાના ઘરે આવ્યો અને સંક્રાંતનાં દિવસે તે હોસ્પીટલમાં દાખલ થયો હતો. જે અંગે તેણે એ ડીવીઝન પોલીસમાં સાગર ચૌહાણ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગણતરી કલાકોમાં ઝડપી લીધો હતો.
આ અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ વત્સલ સાવજે જણાવ્યું કે જે રીતે ફરીયાદી હરેશભાઈ સાથે સાગર ચૌહાણે કૃત્ય કર્યુ છે તે જાેતા અને મળી આવેલ ઠાઠડી સહીતની ચીજ વસ્તુઓને ધ્યાને લેતા કોઈ તાંત્રીક વિધિ માટે આવું કર્યુ હોવાનું માનવું છે. પરંતુ કયા હેતુથી કરવામાં આવ્યું તે ચોકકસ કહી ના શકાય. દરમ્યાન આરોપી શખ્સની ધરપકડ કરી અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે.


