ગિરનાર અંબાજી મંદિરના મહંતપદ માટે દાવેદારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ : ગઈકાલ સુધીમાં 15 ફોર્મ રજુ થયા

ગિરનાર અંબાજી મંદિરના મહંતપદ માટે દાવેદારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ : ગઈકાલ સુધીમાં 15 ફોર્મ રજુ થયા

જૂનાગઢ તા.24
ગરવા ગિરનાર ખાતે બિરાજતા અંબાજી માતાજી મંદિરના મહંત પદની વરણી માટેની પ્રક્રિયા તેજ બની છે અને આજે દાવેદારી નોંધાવવાનો અંતિમ દિવસ છે. સાંજના પાંચ સુધીમાં કેટલા ફોર્મ રજુ થયા તેનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મહંતપદની નિમણુંક બાબતે ભારે વિવાદ સર્જાયો હતો અને મંદિરનો તમામ વહીવટ તંત્ર દ્વારા સંભાળવામાં આવ્યો હતો અને મામલતદારના હસ્તક કાર્યવાહી થઈ રહી હતી. દરમયાન અંબાજી મંદિરના મહંતની નિમણુંક માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને એક નિવિદા બહાર પાડી તા.રપ ઓગષ્ટથી તા.24 સપ્ટેમ્બર સુધી દાવેદારી નોંધાવવા માટે અરજી મંગાવવામાં આવી હતી. કુલ 28 ફોર્મ ઉપડયા છે અને ગઈકાલ સુધીમાં 11 એ દાવેદારી નોંધાવી હતી. દરમ્યાન આજે વધુ 4 નામો રજુ થયા છે અને અત્યાર સુધીમાં કુલ 15 દાવેદારોએ મહંતપદ માટે અરજી રજુ કરી છે. અને સાંજના પાંચ સુધીમાં આજે છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થવાનું છે અને ત્યારબાદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા દાવેદારોના ફોર્મનું ડેટા પત્રક બનાવી અને જુદા-જુદા અધિકારીઓ દ્વારા પોતાના અભિપ્રાયો અને તપાસ થશે. અને ત્યારબાદ આવેલી દરખાસ્તો અંગે કલેકટર દ્વારા ચકાસણી કરવામાં આવશે. તેમજ ત્યારબાદ તમામ નિયમો અને પાસાઓની ચકાસણી બાદ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે. તેમ મનાય છે.