બાંગ્લાદેશમાં ફરી હિંસક માહોલ, 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ અને આગચંપી
મોહમ્મદ યુનુસના પૈતૃક મકાનને આગ ચાંપી, ઢાકામાં 24 કલાકમાં 565 લોકોની ધરપકડ; શેખ હસીનાની વાપસીની જાહેરાત બાદ રાજકીય તણાવમાં વધારો
ઢાકા, તા. 19
બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વચ્ચે ફરી હિંસાની ઘટનાઓ સામે આવી છે. અવામી લીગ દ્વારા દેશવ્યાપી બંધના એલાન બાદ રાજધાની ઢાકા સહિત અનેક વિસ્તારોમાં તોડફોડ, આગચંપી અને બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ બની છે. છેલ્લા બે દિવસ દરમિયાન દેશના 28 જિલ્લાઓમાં દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પૂર્વ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસના ચટગાંવ સ્થિત પૈતૃક મકાનને આગ ચાંપી હતી. તેમની ગ્રામિણ બેંકની કેટલીક શાખાઓને પણ નિશાન બનાવવામાં આવી હતી.
ઢાકામાં અવામી લીગના બે નેતાઓનાં નિવાસસ્થાનો પર પણ હુમલા થયા છે. મીડિયા અહેવાલો મુજબ, આ હુમલાઓમાં વડાપ્રધાન તારિક રહેમાનની પાર્ટી BNPના કાર્યકરોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, અવામી લીગના બંધના એલાન બાદ પોલીસે કાર્યવાહી તેજ કરતાં માત્ર 24 કલાકમાં ઢાકામાંથી 565 લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા લોકોમાં પૂર્વ શિક્ષણમંત્રી નુરુલ ઇસ્લામ નાહિદનો પણ સમાવેશ થાય છે. બુધવારે મધરાતે તેમને તેમના નિવાસસ્થાનેથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
અવામી લીગે આ બંધનું એલાન શેખ હસીનાને વિશેષ ટ્રિબ્યુનલ દ્વારા સંભળાવવામાં આવેલી સજાની વરસી નિમિત્તે આપ્યું હતું. ગયા વર્ષે ટ્રિબ્યુનલ દ્વારા હસીનાને તેમની ગેરહાજરીમાં મોતની સજા ફટકારવામાં આવી હતી. જુલાઈ 2024ના વિદ્યાર્થી આંદોલનને દબાવવા દરમિયાન માનવતા વિરુદ્ધના ગુનાઓ આચરવાના આરોપમાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
મોહમ્મદ યુનુસના પૈતૃક મકાન પર થયેલા હુમલાનું ચોક્કસ કારણ અને તેમાં સામેલ લોકોની ઓળખ હજુ સ્પષ્ટ થઈ નથી. જોકે, આ ઘટનાને અવામી લીગ અને યુનુસ વચ્ચેના લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય સંઘર્ષ સાથે જોડીને જોવામાં આવી રહી છે. ઓગસ્ટ 2024માં શેખ હસીનાની સરકારના પતન બાદ યુનુસે વચગાળાની સરકારની જવાબદારી સંભાળી હતી. તેમના શાસનકાળ દરમિયાન અવામી લીગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને પાર્ટીના હજારો નેતાઓ તથા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.
આ સમયગાળા દરમિયાન બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના ઢાકા સ્થિત નિવાસસ્થાન પર પણ ટોળાએ હુમલો કરી આગ લગાવી હતી. ત્યારબાદ આ ઇમારતને તોડી પાડવામાં આવી હતી. વર્ષ 1971ના મુક્તિ સંગ્રામ સાથે જોડાયેલા કેટલાક સ્મારકોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 2025માં હસીના વિરોધી પ્રદર્શનકારીઓએ શેખ મુજીબુર રહેમાનના નિવાસસ્થાનની બહાર તોડફોડ કરી તેમની તસવીર પણ તોડી નાખી હતી.
છેલ્લા બે દિવસમાં દેશના 28 જિલ્લાઓમાં બોમ્બ વિસ્ફોટ ઉપરાંત વાહનોને આગ ચાંપવાની ઘટનાઓ બની હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ દરમિયાન BNPના ઓછામાં ઓછા બે કાર્યાલયો અને પાર્ટીના એક નેતાના ઘર પર પણ આગ લગાવવામાં આવી હતી. બીજી તરફ, અવામી લીગના બે કાર્યાલયો અને પાર્ટીના નેતાઓની પાંચ મિલકતોને પણ નિશાન બનાવવામાં આવી હતી. હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ઢાકામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. મુખ્ય ફ્લાયઓવર પર વધારાના પોલીસ જવાનો તૈનાત કરાયા છે, જ્યારે શહેરમાં પ્રવેશતા અને બહાર નીકળતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ મોટરસાઇકલ સવારો અને વાહનચાલકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
આ રાજકીય સંઘર્ષ વચ્ચે વડાપ્રધાન તારિક રહેમાને બુધવારે રાત્રે તમામ રાજકીય પક્ષો અને લોકતાંત્રિક શક્તિઓને અવામી લીગની ફરીથી સક્રિય થતી ગતિવિધિઓનો સામનો કરવા એકજૂટ થવાની અપીલ કરી હતી. સંસદમાં સંબોધન દરમિયાન તેમણે અવામી લીગને આતંકવાદી સંગઠન અને સત્તા પરથી હટાવવામાં આવેલી ફાસીવાદી શક્તિ ગણાવી હતી. તેમણે કહ્યું કે, વર્ષ 2024ની જેમ ફરી એકવાર તમામ લોકતાંત્રિક શક્તિઓએ એક થઈને આવી ગતિવિધિઓનો સામનો કરવો જોઈએ. તેમણે BNPના સાંસદોને પોતાના મતવિસ્તારોમાં જઈને પક્ષના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે સક્રિય રહેવા પણ જણાવ્યું હતું. 'ધ ડેઇલી સ્ટાર'ના અહેવાલ મુજબ, તારિક રહેમાને સાંસદોને માત્ર સરકારી તંત્ર પર આધાર રાખવાને બદલે સ્થાનિક સ્તરે પક્ષના કાર્યકરો સાથે મળીને કામ કરવાની સૂચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટ 2024ના રોજ વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીનાની સરકારનું પતન થયું હતું અને ત્યારબાદ મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારનું નેતૃત્વ સંભાળ્યું હતું. હાલમાં શેખ હસીના ભારતમાં છે. જુલાઈ 2026માં તેમણે ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશ પરત ફરીને ત્યાંની કાનૂની પ્રક્રિયાનો સામનો કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ મહિને પણ તેમણે ડિસેમ્બરમાં કોઈ પણ સંજોગોમાં સ્વદેશ પરત ફરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. તેમની આ જાહેરાત બાદ દેશમાં રાજકીય તણાવ વધ્યો હોવાનું સામે આવ્યું છે.
હિંસાની શરૂઆત હસીનાના વતન તુંગીપારામાંથી થઈ હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે. મંગળવારે અવામી લીગના સમર્થક હોવાની શંકાના આધારે કેટલાક યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ મોટી સંખ્યામાં લોકો સ્થાનિક પોલીસ સ્ટેશનની બહાર એકત્ર થઈ તેને ઘેરી વળ્યા હતા. એક સ્થાનિક પત્રકારના જણાવ્યા અનુસાર, તે સમયે પોલીસ સ્ટેશનમાં આશરે 30 શંકાસ્પદ કાર્યકરોને અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. દરમિયાન ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદે હિંસામાં સામેલ લોકોની ઓળખ કરીને તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આરોપીઓની ઓળખ માટે ઑડિયો અને વીડિયો પુરાવાઓનો ઉપયોગ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.


