ઈરાનના પ્રતિનિધીમંડળના વિમાનની દરેક સીટ પર શહીદ બાળકોના ફોટા, બેગ અને જૂતા : હૃદયદ્રાવક દ્રશ્યો

ઈરાનના પ્રતિનિધીમંડળના વિમાનની દરેક સીટ પર શહીદ બાળકોના ફોટા, બેગ અને જૂતા : હૃદયદ્રાવક દ્રશ્યો

(એજન્સી)        તહેરાન,તા.૧૧:
અમેરીકા સાથેની શાંતિમંત્રણા માટે ઈસ્લામાબાદ પહોંચેલા ઈરાની સ્પીકર બાઘર ગાલીબાફ જે વિમાનમાં આવ્યા હતા તે ખૂબ જ ખાસ છે. તેઓ દુનિયાને અમેરિકાના અત્યાચારો બતાવવા માટે પાકિસ્તાનમાં પુરાવા લાવ્યા છે. તેમની સાથે એવા મુસાફરો પણ છે જે હવે હયાત નથી. હકીકતમાં, આ વિમાનમાં બાઘર ગાલિબાફ સાથે પાકિસ્તાન જઈ રહેલા એવા બાળકો પણ છે જેમણે યુએસ-ઇઝરાયલી હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. હા, ઈરાની સંસદના સ્પીકર બાઘર કાલીબાફે વાતચીત પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિમાનમાં પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટો ભાવનાત્મક છે. તેમાં યુદ્ધની આગમાં બળી ગયેલા બાળકોના ફોટા દર્શાવવામાં આવ્યા છે. ફોટામાં, તેઓ સીટોની પાછળ ચોંટાડેલા બાળકોના ફોટા જોવા મળે છે. આ છબીઓ હૃદયદ્રાવક છે. ફોટામાં, સ્પીકર ગાલીબાફ વિમાનની અંદર ઉભા છે, સીટોની પાછળ ચોંટાડેલા નાના બાળકોના ફોટા કાળજીપૂર્વક ચકાસી રહ્યા છે. 
દરેક સીટ પાછળ એક નિર્દોષ બાળકનો ફોટો પ્રદશિર્ત કરવામાં આવ્યો છે. દરેક સીટ પર સ્કૂલ બેગ અને જૂતા પણ મૂકવામાં આવ્યા છે. આ બેગ અને જૂતા એવા બાળકોના છે જે હવે જીવિત નથી. ઈરાને આ બધું જાણી જોઈને કર્યું છે જેથી દુનિયાને યાદ અપાવી શકાય કે યુએસ-ઇઝરાયલી હુમલામાં નિર્દોષ બાળકો કેવી રીતે ર્નિદયતાથી માર્યા ગયા હતા.ઈરાની સ્પીકર કાલિબાફે આ ફોટોનું કેપ્શન આપ્યું, આ ફલાઇટમાં મારા સાથી #Minab168. આ નાનું હેશટેગ એક મોટી દુર્ઘટનાની વાર્તા કહે છે. હકીકતમાં, ઈરાન યુદ્ધના પહેલા દિવસે, ઈરાની શહેર મીનાબમાં શજારાહ તૈયબેહ પ્રાથમિક શાળા પર મિસાઈલ હુમલો થયો હતો. આ હુમલો અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૧૭૦ થી વધુ લોકો માર્યા ગયા હતા. તેમાંના મોટાભાગના શાળાના બાળકો વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યા હતા. બાળકો તેમના પુસ્તકો ખુલ્લા રાખીને બેઠા હતા ત્યારે અચાનક એક મિસાઈલ ત્રાટકી હતી. શાળાની દિવાલો તૂટી પડી, બાળકો દટાઈ ગયા, ચીસો પાડી રહ્યા હતા. કેટલાક પાસે ફક્ત તેમના જૂતા અને બેગ બાકી હતા. આજે ગાલિબાફના વિમાનમાં દરેક સીટ પર એ જ બેગ અને જૂતા મૂકવામાં આવ્યા છે.