ઈસ્લામાબાદમાં આજથી ઈરાન-અમેરીકા વાટાઘાટો : વિશ્વની મીટ
(એજન્સી) ઈસ્લામાબાદ તા.૧૧:
મધ્ય પૂર્વના સંઘર્ષ વચ્ચે આજે સમગ્ર વિશ્વની નજર પાકિસ્તાન પર કેન્દ્રિત છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આજથી અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા શરૂ થઈ રહી છે. આ મંત્રણામાં ઈરાનના ૬, અમેરિકાના ૪ અને પાકિસ્તાનના ૪ પ્રતિનિધિઓ ભાગ લેશે.
ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફ અને વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીના નેતૃત્વમાં એક ઈરાની પ્રતિનિધિમંડળ, યુનાઇટેડ સ્ટેટ્સ સાથે યુદ્ધવિરામની વાટાઘાટો કરવા માટે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પહોંચી ગયું છે. જયારે અમેરીકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સના નેતૃત્વમાં એક યુએસ પ્રતિનિધિમંડળ વાટાઘાટો માટે પાકિસ્તાન રવાના થઈ ચૂક્યું છે. પાકિસ્તાન જતા પહેલા, જે.ડી. વાન્સે કહ્યું, જો ઈરાનીઓ સદભાવનાથી વાટાઘાટો કરવા તૈયાર હોય, તો અમે ચોક્કસપણે તેમની તરફ મિત્રતાનો હાથ લંબાવવા તૈયાર છીએ.
ઈરાન અને પાકિસ્તાન વચ્ચે વધતા રાજદ્વારી સંપર્કો વચ્ચે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર, તેહરાનથી ઈસ્લામાબાદ આવી રહેલા પ્રતિનિધિમંડળમાં કુલ ૭૧ સભ્યોનો સમાવેશ થાય છે. આ કોઈ સામાન્ય મુલાકાત નથી, પરંતુ એક વ્યાપક અને વ્યૂહાત્મક મિશન માનવામાં આવે છે. પ્રતિનિધિમંડળમાં ફક્ત ટોચના અધિકારીઓ જ નહીં પરંતુ નિષ્ણાત સલાહકારો, મીડિયા પ્રતિનિધિઓ, રાજદ્વારીઓ અને સુરક્ષા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે, જે મુલાકાતની ગંભીરતા અને બહુપક્ષીય કાર્યસૂચિને પ્રતિબિબિત કરે છે. સમગ્ર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઈરાનના સંસદીય અધ્યક્ષ ગાલિબાફ કરી રહ્યા છે, જે પોતે પ્રભાવશાળી રાજકીય અને સુરક્ષા પૃષ્ઠભૂમિ ધરાવતા નેતા છે.


