બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં પ્રારંભીક કલાકોમાં ર૮ ટકા મતદાન

વિધાનસભાની ૧ર૧ બેઠકો પર ૩.૭પ કરોડ મતદાતા, ૧૩૧૪ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કરશે : ૧૧ નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન : ૧૪ નવેમ્બરે પરિણામ

બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં પ્રારંભીક કલાકોમાં ર૮ ટકા મતદાન

(એજન્સી)          પટણા તા.૦૬ :
આ વર્ષની અંતિમ તથા આગામી વર્ષના વિપક્ષ શાસન સહિતના રાજયોમાં યોજાનારી ધારાસભા ચૂંટણીઓ માટે મહત્વની બિહાર વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબકકાની ૧૨૧ બેઠકો માટે પ્રારંભથીજ મતકેન્દ્રો પર ભારે ભીડ જોવા મળી રહી છે.
બિહારમાં છેલ્લા ૨૦ વર્ષથી એક યા બીજા ગઠબંધન સાથે રહીને મુખ્યમંત્રી પદ જાળવી રાખવામાં સફળ રહેલા નીતીશકુમારનું રાજકીય ભાવિ ઉપરાંત બિહારમાં હવે કદ વધારવા માટે આશાવાદી ભાજપ અને આ બન્નેના સહયોગના એનડીએ વિ. પુર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળના કોંગ્રેસ-ડાબેરી સાથેના મહાગઠબંધન વચ્ચે સીધી ટકકર છે.
તો રાજયમાં નવા ચહેરા તરીકે એક સમય ભાજપ અને અનેક રાજકીય પક્ષોના પોલીટીકલ-મેનેજર તરીકે કામ કરી ચુકેલા પ્રશાંત કિશોરનો જનસુરાજ પક્ષ પણ મેદાનમાં છે. રાજયમાં મતદાર યાદી ગહન પુન: સમીક્ષા બાદની આ ચુંટણીનાં ચૂંટણીપંચની કવાયત પણ દાવ પર લાગી છે તથા રાજયમાં બીજા તબકકામાં ૧૨૨ બેઠકો પર તા.૧૧ નવેમ્બરે મતદાન યોજાશે અને પરિણામ તા.૧૪ નવેમ્બરે આવશે.
રાજયમાં આજના મતદાનએ પુર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ તથા સમ્રાટ ચૌધરી સહિત વર્તમાન શાસનના બન્ને નાયબ મુખ્યમંત્રી અને નીતીશ સરકારના ૧૩ મંત્રીઓ સહિત ૧૩૧૪ ઉમેદવારનું ભાવી ૩.૭૫ કરોડ મતદારો નિશ્ચિત કરશે. ભૂતપુર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે તેમના પત્ની પુર્વ મુખ્યમંત્રી રાબડીદેવી તથા પુર્વ ડે.સી.એમ. તેજસ્વી યાદવ બહેનો સાથે પટણાના એક મતદાન મથકમાં સાથે મતદાન કર્યુ હતું અને ‘બદલાવ હોંગા‘નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.