પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો : ૩ ક્રિકેટર સહિત ૧૦ના મોત
(એજન્સી) કાબુલ તા.૧૮
પાકિસ્તાને સીઝફાયર વચ્ચે અફઘાનિસ્તાન ઉપર ફરી વખત એર સ્ટ્રાઈક કરતા બન્ને દેશો વચ્ચેના સંબંધો વિસ્ફોટક બની ગયા છે. પાકિસ્તાની હુમલામાં અફઘાનિસ્તાનના ત્રણ ક્રિકેટરો સહિત ૧૦ લોકોના મોત નિપજતા ખળભળાટ સર્જાયો છે. અફઘાનિસ્તાને તાત્કાલીક અસરથી પાક. સાથેની ત્રિકોણીય ટી-૨૦ સીરીઝમાંથી ખસી જવાનું જાહેર કર્યું છે. પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા દિવસોમાં સર્જાયેલા સંઘર્ષ બાદ બન્ને દેશોએ સીઝફાયર જાહેર કર્યું હતું પરંતુ પાકિસ્તાને પોત પ્રકાશીને તેનું ઉલ્લંઘન કર્યું હોય તેમ ગઈરાત્રે અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી હતી અને તેમાં ત્રણ ક્રિકેટર સહિત ૧૦ લોકોના મોત થયા હતા. અફઘાનિસ્તાનના પતિકા ક્ષેત્રમાં આ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. રહેણાંક વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ તકે ફ્રેન્ડશીપ મેચ રમીને પરત ફરી રહેલા ક્રિકેટરો પણ ઝપટે ચડી ગયા હતા અને તેમાથી ત્રણના મોત થયા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું કે ફ્રેન્ડશીપ મેચ રમવા માટે ક્રિકેટ ટીમ પતિકા ક્ષેત્રની રાજધાની સારાના ગઈ હતી. ત્યાંથી પરત ફરતી વખતે પાકિસ્તાનનો હુમલો થયો હતો અને તેમાં ત્રણ ખેલાડીઓના મોત થયા હતા. ખેલાડીઓની ઓળખ કબીર, હારૂન તથા સીબગતુલ્લાહ તરીકે થઈ છે. ત્રણ ક્રિકેટર ઉપરાંત અન્ય ૭ લોકો પણ મોતને ભેટયા હતા. આ સિવાય અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા.


