નોકરિયાત વર્ગ માટે મોટા રાહતના સમાચાર: હવે PFમાંથી 90% સુધીની રકમ ઉપાડી શકાશે, વેઇટિંગ પિરિયડ ઘટાડીને માત્ર 2 મહિના કરાયો
EPFOએ ‘EPF સ્કીમ 2026’ હેઠળ આંશિક ઉપાડના નિયમો સરળ બનાવ્યા; બીમારી, બાળકોના શિક્ષણ, લગ્ન, મકાન અને બેરોજગારીની સ્થિતિમાં મળશે તાત્કાલિક નાણાકીય મદદ
નવી દિલ્હી તા.19
દેશભરના કરોડો નોકરિયાત વર્ગ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તરફથી એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. 'EPF સ્કીમ 2026' હેઠળ EPFOએ 55 વર્ષથી ઓછી ઉંમરના કર્મચારીઓ માટે PF ખાતામાંથી આંશિક ઉપાડ (Partial Withdrawal)ની મર્યાદા 75%થી વધારીને 90% કરી દીધી છે. આ સાથે જ બેરોજગારી કે ઈમરજન્સીની સ્થિતિમાં નાણાં ઉપાડવા માટેનો લઘુત્તમ વેઇટિંગ પિરિયડ 1 વર્ષ (12 મહિના)થી ઘટાડીને માત્ર 2 મહિના કરી દેવામાં આવ્યો છે.
નવા નિયમોની મુખ્ય વિશેષતાઓ:
90% સુધીની ઉપાડ મર્યાદા: અગાઉ કર્મચારીઓ તેમના જમા ફંડમાંથી મહત્તમ 75% રકમ જ ઉપાડી શકતા હતા, પરંતુ હવે જરૂર પડ્યે 90% હિસ્સો ઉપાડી શકાશે. જોકે, નિવૃત્તિ સુરક્ષા જળવાઈ રહે તે માટે ખાતામાં ઓછામાં ઓછી 10% રકમ અનામત રાખવી ફરજિયાત રહેશે.
વેઇટિંગ પિરિયડમાં 10 મહિનાનો ઘટાડો: અગાઉ નોકરી છૂટ્યા બાદ કે આંશિક ઉપાડ માટે EPFOમાં ઓછામાં ઓછા 12 મહિનાની સભ્યતા ફરજિયાત હતી. હવે માત્ર 2 મહિનાની સભ્યતા પૂર્ણ કર્યા બાદ પણ સભ્યો પોતાનું ફંડ ઉપાડી શકશે.
નિયમોનું 3 કેટેગરીમાં વર્ગીકરણ : જૂના અને જટિલ નિયમોને સરળ બનાવવા માટે તમામ આંશિક ઉપાડની શરતોને હવે ત્રણ મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવી છે. જરૂરી આવશ્યકતાઓ (Essential Needs), આવાસ આવશ્યકતાઓ (Housing Needs) અને વિશેષ પરિસ્થિતિઓ (Special Circumstances).
કયા કારણોસર ઉપાડી શકાશે પૈસા?
નવી વ્યવસ્થા હેઠળ કર્મચારીઓ પોતાની અથવા પરિવારના સભ્યોની મેડિકલ સારવાર, બાળકોના ઉચ્ચ શિક્ષણ, લગ્ન પ્રસંગ, નવું ઘર કે ફ્લેટ ખરીદવા, મકાન બાંધકામ, હોમ લોનની ચુકવણી તેમજ ઘરના સમારકામ જેવા મુખ્ય હેતુઓ માટે સરળતાથી નાણાં ઉપાડી શકશે.
ઓનલાઇન ક્લેમ પ્રક્રિયા બનશે વધુ ઝડપી
સભ્યો EPFOના યુનિફાઇડ મેમ્બર પોર્ટલ પર પોતાના UAN અને પાસવર્ડની મદદથી લોગિન કરીને ઓનલાઇન ક્લેમ કરી શકે છે. નિયમોનું એકીકરણ થવાથી દસ્તાવેજોની જટિલતા ઘટશે, ક્લેમ રિજેક્ટ થવાનું પ્રમાણ ઘટશે અને લાભાર્થીઓના બેંક ખાતામાં નાણાં જમા થવાની પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે.
નિષ્ણાતોની મહત્વપૂર્ણ સલાહ
આ નિર્ણયથી મુશ્કેલ સમયમાં લોકોને મોંઘી પર્સનલ લોન કે બહારના કરજ પર નિર્ભર નહીં રહેવું પડે. જોકે, નાણાકીય નિષ્ણાતોનું માનવું છે કે અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી PFની મોટી રકમ ન ઉપાડવી જોઈએ, કારણ કે PF પર મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ (Compounding) લાંબા ગાળે નિવૃત્તિ સમયે મોટું સુરક્ષા કવચ પૂરું પાડે છે.


