સલમાન ખાન સામે અવાજ ઉઠાવતાં સોના મોહાપાત્રાને મળી હતી દુષ્કર્મની ધમકીઓ
દસ વર્ષ જૂના વિવાદને યાદ કરતાં ગાયિકાએ ટ્રોલિંગ, છેડછાડ કરેલી તસવીરો અને પરિવારને અપાયેલી અભદ્ર ટિપ્પણીઓ અંગે કર્યો ખુલાસો
મુંબઈ તા.19
ગાયિકા સોના મોહાપાત્રા ફરી એકવાર સલમાન ખાન સાથેના દસ વર્ષ જૂના વિવાદને લઈને ચર્ચામાં આવી છે. સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ના ગીત ‘તેરી બ્યુટી’ અંગે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કર્યા બાદ સોનાએ જૂના વિવાદને યાદ કરતાં જણાવ્યું કે એક દાયકા પહેલાં અભિનેતા સામે અવાજ ઉઠાવવાને કારણે તેને ભારે ટ્રોલિંગ, ધમકીઓ અને અભદ્ર ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો.
તાજેતરમાં ફિલ્મ ‘માતૃભૂમિ’ના ગીત ‘તેરી બ્યુટી’ અંગે પ્રતિક્રિયા આપતાં સોનાએ વ્યંગાત્મક અંદાજમાં સવાલ કર્યો હતો કે સૈનિકોના બલિદાન પર આધારિત ફિલ્મમાં આ પ્રકારનું ગીત કેવી રીતે સામેલ કરી શકાય? આ સાથે તેણે બોલિવૂડમાં ગીતોની પસંદગી અને તેના શબ્દો અંગે પણ કટાક્ષ કર્યો હતો.
પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં સોનાએ જણાવ્યું કે સંગીત ક્ષેત્રે તેને 20 વર્ષ પૂર્ણ થયાં છે, જ્યારે સલમાન ખાન સામે અવાજ ઉઠાવ્યાને 10 વર્ષ વીતી ગયા છે. અગાઉ તેના કરિયર અંગે ચિંતા વ્યક્ત કરનારા લોકોને જવાબ આપતાં તેણે કહ્યું કે તેનું કરિયર પૂરું થઈ ગયું હોવાનું માનનારા લોકોએ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તે આજે પણ સારી રીતે જીવન જીવી રહી છે.
જૂના વિવાદ અંગે વાત કરતાં સોનાએ ખુલાસો કર્યો કે લગભગ દસ વર્ષ પહેલાં સલમાન ખાનના એક નિવેદન સામે વિરોધ નોંધાવ્યા બાદ તેને દુષ્કર્મની ધમકીઓ મળવા લાગી હતી. તેની સાથે છેડછાડ કરીને તૈયાર કરવામાં આવેલી તસવીરો પણ ફેલાવવામાં આવી હતી અને સતત ઓનલાઈન ટ્રોલિંગ કરવામાં આવતું હતું. આટલું જ નહીં, તેના પરિવારજનો અને માતાને પણ અભદ્ર ભાષામાં નિશાન બનાવવામાં આવ્યાં હતાં.
સોનાએ વધુમાં જણાવ્યું કે તે સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ તેને સલમાન ખાન સાથે વિવાદમાં ન પડવાની સલાહ આપી હતી. તેઓ તેની પ્રતિભાની પ્રશંસા કરતા હતા, પરંતુ સલમાન ખાન સાથે ટકરાવ તેના કરિયર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે તેવી ચેતવણી પણ આપતા હતા. જોકે, સોનાએ સ્પષ્ટ કર્યું કે તે પોતાની મહેનત અને પ્રતિભાના આધારે અહીં સુધી પહોંચી છે. સફળ લોકોની આસપાસ રહીને સફળતા મેળવવાને બદલે પોતાની ક્ષમતા અને મહેનતથી આગળ વધવું જ તેના માટે સાચી સફળતા છે.


