જાેલી એલએલબી-૩ મૂવી વિરૂદ્ધ હાઇકોર્ટમાં કરાયેલી અરજી પાછી ખેંચાઈ, ફિલ્મ રિલીઝનો માર્ગ મોકળો

જાેલી એલએલબી-૩ મૂવી વિરૂદ્ધ હાઇકોર્ટમાં કરાયેલી અરજી પાછી ખેંચાઈ, ફિલ્મ રિલીઝનો માર્ગ મોકળો
Inside Box Office

અમદાવાદ, તા.૧૯
ગુજરાત હાઈકોર્ટમાં આગામી બોલીવૂડ ફિલ્મ જાેલીએલએલબી-૩ના ટીઝર ઉપર સ્ટે માંગતી અરજીનો કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યા બાદ હાઇકોર્ટે આગામી તા.૧૬ના રોજ સુનાવણી મુલતવી રાખી હતી. તેની સુનાવણી દરમ્યાન અરજદારે અરજી પછી ખેંચી લીધી હતી. આથી આગામી ૧૯ સપ્ટેમ્બરના રોજ મુવી રિલીઝનો માર્ગ મોકળો થઈ ગયો છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, મુવીમાં એક ન્યાયાધીશના પાત્રને અયોગ્ય રીતે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર, સૌરભ શુક્લા અને અરશદ વારસી સહિત અન્ય કલાકારો છે. 
ગત સુનાવણીમાં કેન્દ્ર સરકારના વકીલ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ હાઈકોર્ટે આ મામલાને મુલતવી રાખ્યો. કેન્દ્ર સરકાર દ્વારા રજૂઆત કરાઇ હતી કે, અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા ફિલ્મ વિરૂદ્ધ એક અન્ય અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી છે. ત્યારબાદ ન્યાયાધીશ નિરલ મહેતાએ અરજદારને અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશનો અભ્યાસ કરવાનો નિર્દેશ આપ્યો અને ૧૬ સપ્ટેમ્બરના રોજ આ મામલાની સુનાવણી મુલતવી રાખી હતી. આ અરજી યતીન દેસાઈ દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ સર્ટિફિકેશન સામે વ્યક્તિગત રીતે પક્ષકાર તરીકે દાખલ કરવામાં આવી હતી અને તેમાં દિગ્દર્શક સુભાષ કપૂર, અભિનેતા અક્ષય કુમાર, અરશદ વારસી અને સૌરભ શુક્લાને પ્રતિવાદી તરીકે પણ નામ આપવામાં આવ્યા છે. રિટ અરજીમાં ફિલ્મના ટીઝરને આપવામાં આવેલા પ્રમાણપત્રને પણ પડકારવામાં આવ્યું હતું. અરજીમાં જણાવાયું હતું કે, ફિલ્મના ટીઝરમાં ન્યાયાધીશ અયોગ્ય ભાષામાં બોલતા દેખાય છે અને ન્યાયિક કાર્યવાહીને હાસ્યજનક ઝઘડામાં ફેરવીને કોર્ટની ગરિમા ઘટાડવાનો પ્રયાસ છે. સિનેમામાં મનોરંજનનું મૂલ્ય હોય છે, પરંતુ જ્યારે વિષય ન્યાયતંત્ર હોય, જે બંધારણનું સમર્થન કરવાની જવાબદારી સોંપવામાં આવેલી સંસ્થા હોય ત્યારે મનોરંજનની મર્યાદા હોય છે, એમ અરજીમાં જણાવાયું છે. 
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, તે ફિલ્મ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહી નથી; તેના બદલે, વિનંતી એ છે કે, ૧૯ સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત રિલીઝ પહેલાં,ફિલ્મની સમીક્ષા ન્યાયાધીશો/નિવૃત્ત ન્યાયાધીશો, વરિષ્ઠ વકીલો અને કોઈપણ સ્વતંત્ર નિષ્ણાતો/વ્યક્તિઓની સમિતિ દ્વારા કરવામાં આવે જેથી વાંધાજનક સામગ્રી દૂર થાય તેની ખાતરી કરી શકાય. પાછલી ફિલ્મ, જાેલી એલએલબી-૨માં પણ કેટલાક વાંધાજનક દૃશ્યો હતા અને તે દૂર કરવામાં આવ્યા હતા. ફિલ્મના કેટલાક દૃશ્યો કોર્ટના તિરસ્કાર સમાન છે તેમ અરજીમાં કહેવામાં આવ્યું હતું.