ભારતીય સેના દ્વારા અસ્મિતાના કેન્દ્ર શ્રી સોમનાથ મહાદેવને પુષ્પાંજલિ અર્પણ

સોમનાથ સ્વાભિમાન પર્વે ‘WINGS OF VALOUR AND UNITY EXPEDITION 2026’ અંતર્ગત ભારતીય સેનાની ‘માઉન્ટેન ઈગલ્સ’ ટીમ દ્વારા સોમનાથ મંદિર ઉપર પુષ્પવર્ષા સાથે ભવ્ય હવાઈ અભિવાદન

ભારતીય સેના દ્વારા અસ્મિતાના કેન્દ્ર શ્રી સોમનાથ મહાદેવને પુષ્પાંજલિ અર્પણ

(ભાસ્કર વૈદ્ય દ્વારા)
પ્રભાસ પાાટણ, તા.૧૯
ભારતીય અસ્મિતા, અતૂટ આસ્થા અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે ભારતીય સેનાની વિશેષ સાહસિક ઉડ્ડયન ટીમ ‘માઉન્ટેન ઈગલ્સ’ દ્વારા પુષ્પવર્ષા કરી હવાઈ અભિવાદન કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાના ‘Wings of Valour and Unity Expedition 2026’ અંતર્ગત બે માઇક્રોલાઇટ વિમાનો અને બે પાવર્ડ હેંગ ગ્લાઇડર્સના કાફલા દ્વારા શ્રી સોમનાથ મંદિર પરિસર ઉપરથી પસાર થઈ પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ભારતીય સેનાની શૌર્ય, સાહસ અને રાષ્ટ્રભક્તિની ભાવનાને ભારતની પ્રાચીન સાંસ્કૃતિક વિરાસત સાથે જાેડતી આ અનોખી પહેલે ઉપસ્થિત સૌમાં ગૌરવ અને રાષ્ટ્રપ્રેમની લાગણી પ્રબળ બનાવી હતી. ભારતીય સેનાના આ વિશેષ અભિયાનનો પ્રારંભ ૧૪ નવેમ્બર ૨૦૨૬ના રોજ મહૂથી કરવામાં આવ્યો હતો. આશરે ૩,૨૦૦ કિલોમીટરની રાષ્ટ્રીય હવાઈ સાહસયાત્રા અંતર્ગત ટીમ દ્વારા પશ્ચિમ અને મધ્ય ભારતનાં વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં ઉડ્ડયન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનું આયોજન આર્મી એડવેન્ચર નોડલ સેન્ટર, મિલિટરી કોલેજ ઑફ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગ, મહૂ દ્વારા આર્મી એડવેન્ચર વિંગના નેજા હેઠળ કરવામાં આવ્યું છે.અભિયાનના ભાગરૂપે ભારતીય સેનાની ‘માઉન્ટેન ઈગલ્સ’ ટીમે સોમનાથના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વને વંદન કરતાં મંદિર ઉપરથી વિશેષ હવાઈ ઉડ્ડયન કર્યું હતું. આ પ્રસંગે વિમાનોમાંથી કરવામાં આવેલી પુષ્પવર્ષા દ્વારા સનાતન સંસ્કૃતિના અવિનાશી પ્રતીક શ્રી સોમનાથ મહાદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
શ્રી સોમનાથ મંદિર માત્ર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ વિદેશી આક્રમણો સામે ભારતીય સંસ્કૃતિના અસ્તિત્વ, અડગ શ્રદ્ધા અને પુનરુત્થાનનું પણ પ્રતીક છે. ત્યારે ભારતીય સરહદોની રક્ષા કરનાર ભારતીય સેનાના જવાનો દ્વારા ભારતીય અસ્મિતાના આ ઐતિહાસિક કેન્દ્રને અર્પણ કરવામાં આવેલી આ પુષ્પાંજલિ વિશેષ પ્રતીકાત્મક મહત્ત્વ ધરાવે છે. એક તરફ રાષ્ટ્રની ભૌગોલિક સરહદોના રક્ષકો અને બીજી તરફ રાષ્ટ્રની સાંસ્કૃતિક ચેતનાના પ્રતીક શ્રી સોમનાથ મહાદેવ – આ બંનેનું આકાશી માધ્યમથી થયેલું આ ભાવનાત્મક જાેડાણ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ ભારતીય સેનાના તમામ સાહસિક જવાનો, પાઇલટ્સ અને અભિયાન સાથે જાેડાયેલા અધિકારીઓની દેશસેવા, સમર્પણ અને સાહસને વંદન કરે છે તથા ‘Wings of Valour and Unity Expedition 2026’ની સફળતા માટે હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.