શ્રી કષ્ટભંજનદેવ દાદાને ઓકિર્ડ અને સેવંતીના પુષ્પોનો દિવ્ય શણગાર કરાયો
મારૂતિ યજ્ઞ આયોજન અને હજારો હરિભક્તોએ દર્શનનો લ્હાવો લીધો
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૭
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે બિરાજમાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે તારીખ ૭-૩-૨૦૨૬, શનિવારના રોજ દાદાને અત્યંત મનોહર અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને વિશેષ વાઘા ધરાવી, સમગ્ર સિંહાસનને ઓકિર્ડ અને સેવંતીના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારે ૫:૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી અને સવારે ૭ કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. શનિવારના પવિત્ર દિવસે મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. દાદાના આ અદભૂત શણગાર અને આરતીનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા.ફૂલોની સુગંધ અને દાદાના તેજસ્વી મુખારવિંદના દર્શન કરી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.


