નરસિંહ મહેતા સરોવરનું રૂા. 1.26 કરોડનાં ફુલછોડ કૌભાંડનો પર્દાફાશ
મિયાવા પધ્ધતિથી સખી મંડળ દ્વારા છોડનું વાવેતર કરવામાં આવે છે તેનો ખર્ચ માત્ર રૂા. 40 થાય છે જયારે નરસિંહ મહેતા સરોવરમાં એક છોડનાં રૂા. 1300 થી 1400 ખર્ચ કરાયાનો વિપક્ષનો આક્ષેપ
જૂનાગઢ તા. 6
જૂનાગઢ મનપાનાં વિપક્ષના નેતા લલીત પણસારા પ્રજાકીય પ્રશ્ને સતત જાગૃતિ કેળવી અને મનપાનાં શાસકો તેમજ પદાધિકારીઓને વારેવારે રસ્તા, ગટર, પાણી સહીતના પ્રશ્ને અસરકારક રજુઆતો કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પ્રજાના પૈસાનો દુરઉપયોગ થતો હોય ત્યારે પણ તેઓએ મનપા તંત્ર સામે મોર્ચો માંડયો હોય છે. અને જેને લઈને મનપાને આર્થિક રીતે પણ ઓછો કરબોજ થાય તેવા પ્રયાસો કર્યા છે. બેઠા થાળે આપવાના કામોનો પણ વિરોધ કરવામાં આવતો હોય છે. જયારે કેટલીક વાર વધારે પૈસા દઈને જે તે એજન્સીને કામ આપી દેવામાં આવતું હોય છે ત્યારે પણ વિપક્ષે વિરોધ દર્શાવ્યો છે. અને મનપાની તિજાેરીને ઓછુ કરભારણ થાય તેના પ્રયાસો અસરકારક રીતે રજુ કર્યા છે. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ શહેરમાં મનપા દ્વારા વૃક્ષા રોપણના કાર્યક્રમો યોજી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બરાબર આ જ ટાંકણે વિપક્ષ દ્વારા મનપાનું ફુલજાડ કૌભાંડ બહાર પાડતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ શહેર સહીત સમગ્ર જીલ્લામાં ગઈકાલે વૃક્ષા રોપણના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તે આવકારદાયક છે પરંતુ બીજી તરફ નરસિંહ મહેતા સરોવરમાં ફુલછોડ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવતા સનસનાટી મચી જવા મચી હતી.
જૂનાગઢ મનપાના વિરોધ પક્ષના નેતા લલીત પણસારાએ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતા કહયું હતું કે નરસિંહ મહેતા સરોવરમાં વૃક્ષો વાવવા માટે મનપાએ કુલ રૂા. 1,26,43,863નો ખર્ચ કર્યો છે. જેમાં વૃક્ષારોપણ માટે ખાડો ખોદવા માટે ખાતર, માટી નાખવા પાછળ રૂા. 72,66,426નો ખર્ચ કર્યો છે. અહીના આઈલેન્ડમાં મોટા વૃક્ષો પાછળ રૂા. 9.90 લાખ અને નાના વૃક્ષો માટે રૂા. 15.18 લાખ ઉધારવામાં આવ્યા છે. પરંતુ જાે આજ કામ સખી મંડળ દ્વારા મીયાવા કી પધ્ધતિથી કરવામાં આવે તો તેમના દ્વારા એક છોડ વાવવા પાછળ માત્ર રૂા. 40નો ખર્ચ થાય છે અને તેજ છોડ વાવવા માટે નરસિંહ મહેતા સરોવરમાં રૂા. 1400 ઉધારવામાં આવ્યા છે. આમ જાેઈએ તો જૂનાગઢ શહેરમાં અગાઉ પણ અનેક વૃક્ષારોપણ અને રોપા ઉછેર કૌભાંડ બની ચુકયા છે. ત્યારે નરસિંહ સરોવરમાં વૃક્ષારોપણ માટે એક કરોડ કરતા વધુનો ખર્ચ કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે વધુમાં આ વૃક્ષોનું મેન્ટેનન્સનો ખર્ચ અલગ હોય છે. આમ મનપા દ્વારા કરવામાં આવતા દરેક કામમાં કયાંકને કયાંક ગેરરીતી, વધુ નાણાં આપવા સહીતના કૌભાંડો અવાર નવાર આચરવામાં આવતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે ત્યારે આવા બનાવોની ઉચ્ચસ્તરીય તપાસ યોજવામાં આવે તેવી પણ માંગણી ઉઠવા પામી છે. બીજી તરફ વિપક્ષ દ્વારા અવાર નવાર નાણાંકીય ગેરરીતી, ભ્રષ્ટાચાર સહીતના મુદે ગંભીર પ્રકારનાં સત્તાધિશો સામે આક્ષેપો કરવામાં આવી રહયા છે. અને પારદર્શક વહીવટની માંગણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં મનપાના શાસક પક્ષ ભાજપ દ્વારા વિરોધ પક્ષના આક્ષેપો સામે કોઈ જાતનો પ્રત્યુતર આપવો કે કૌભાંડોને નકારી કાઢવા માટેના જવાબો સુધા આપ્યા નથી ત્યારે આ અંગે પણ અવનવા તર્કો થઈ રહયા છે.


