જૂનાગઢમાં દિવાળી સુધીમાં સીટી બસ સેવા શરૂ કરાશે

જમીન સંપાદન માટેની કાર્યવાહી, ટર્મીનલ બસ સ્ટેશન, રૂટ પર ફોલ્ડીંગ બસ સ્ટોપ સહીતની સુવિધા માટે એસઓપી તૈયાર કરાઈ : સ્ટેન્ડીંગ કમીટીના ચેરમન પલ્લવીબેન ઠાકર

જૂનાગઢમાં દિવાળી સુધીમાં સીટી બસ સેવા શરૂ કરાશે

જૂનાગઢ તા. 14
જૂનાગઢ શહેરનાં લોકોને પરીવહનની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે મનપા તંત્ર કટીબધ્ધ બન્યું છે. અને આગામી દિવસો એટલે કે દિવાળી સુધીમાં શહેરીજનોને સીટી બસ સેવાની સુવિધા આપવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ અંગે એસઓપી તૈયાર કરવામાં આવી રહી છે. અને ટુંક સમયમાં જ એક બેઠક બોલાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવા નિર્દેશો મળી રહયા છે. સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન પલ્લવીબેન ઠાકરે દિવાળી સુધીમાં સીટી બસ સેવા શરૂ કરી દેવામાં આવે તેવા નિર્દેશ આપ્યા હતાં.
જૂનાગઢ શહેરમાં અગાઉ કાર્યરત સીટી બસ સેવા ઘણા લાંબા સમયથી બંધ છે. અને શહેરનાં લોકોને પરીવહન માટે સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી ઘણા સમય થયા લાગણી અને માંગણી રહેલી છે. જૂનાગઢ મનપાનાં ભાજપનાં શાસકો દ્વારા અગાઉ પણ નગરજનોને માટે સીટી બસ સેવા શરૂ કરવામાં આવશે તેવા નિર્દેશો આપેલા છે. તેમજ વાર્ષિક બજેટમાં તેમજ સમયાંતરે મળતી બેઠકોમાં પણ સીટી બસ સેવા ઉપલબ્ધ બનાવવા માટે વારંવાર જાહેરાતો કરવામાં આવી છે. અને ઉચ્ચકક્ષાએ પણ આ અંગે રજુઆતો પણ કરવામાં આવી છે. જૂનાગઢ માટે 50 સીએમ બસ ફાળવી દેવામાં આવી છે. તેને પણ સારો એવો સમય થયો છે. દરમ્યાન જૂનાગઢ શહેરનાં નગરજનોને સ્પર્શતા પરીવહન માટેનાં મહત્વનાં સીટી બસ સેવાનાં પ્રશ્ને તાજેતરમાં જ સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન પલ્લવીબન ઠાકરને આ બાબતે પ્રશ્ન કરી અને કયારે સીટી બસ સેવા શરૂ કરવામાં આવશે તે અંગેની માહિતી માંગતા સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન પલ્લવીબેન ઠાકરે આ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરીજનોને સીટી બસ સેવાનો લાભ મળે તે માટેની ઝડપથી કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ અંગેની એસઓપી પણ તૈયાર કરવામાં આવી છે. અને નજીકનાં સમયમાં બેઠક બોલાવવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું હતું. વધુમાં પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે રાજકોટ, અમદાવાદ સહીતનાં શહેરોમાં જે રીતે પરીવહન માટેની બસ સેવા ચાલી રહી છે તે પ્રમાણે જૂનાગઢ શહેરમાં પણ સીટી બસ સેવા શરૂ થવાની છે. અને શહેરમાં જ એટલેે કે ગાંધીચોકમાં આવેલ આરએન્ડબી ખાતે ટર્મીનલ બસ સ્ટેશન બનાવવામાં આવશે. આ ઉપરાંત શહેરનાં વિવિધ વિસ્તારોને આવરી લેતો રૂટ તૈયાર કરવામાં આવશે. અને આ રૂટ ઉપર ફોલ્ડીંગ બસ સ્ટોપ બનાવવામાં આવશે તેવો નિર્દેશ પણ આપ્યો હતો. કેટલા સમયમાં સીટી બસ સેવા શરૂ કરવામાં આવશે તેવા પ્રશ્નનાં જવાબમાં પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે મારી ઈચ્છા એવી છે કે દિવાળીનાં દિવસો એટલે કે ઓકટોબર માસમાં સીટી બસ સેવા શરૂ થાય અને તેના માટે કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. ટર્મીનલ બસ સ્ટેશન તૈયાર જ છે પરંતુ તેના માટે સૌ પ્રથમ જમીન સંપાદનની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત બસોની ફાળવણી માટે પણ ડીમાન્ડ રજુ કરવામાં આવશે. અને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે. પ્રાથમિક કાર્યવાહી પુરી કરતા બે માસ જેવો સમયગાળો લાગી શકે તેમ છે. અને ત્યારબાદ એટલે કે દિવાળી સુધીમાં સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવા નિર્દેશો આપ્યા હતાં.