જૂનાગઢ ક્રાઈમબ્રાન્ચનો સપાટો : એક જ દિવસમાં ત્રણ સ્થળોએ ત્રાટકી રૂા.ર૧.ર૩ લાખનો દારૂ સહિતનો મુદામાલ ઝડપી લીધો
જૂનાગઢ તા. ર૬
જૂનાગઢ જિલ્લામાં દારૂ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જડમૂળમાંથી ડામી દેવાના પોલીસ તંત્રના અભિયાન વચ્ચે, ક્રાઇમ બ્રાન્ચે એક જ દિવસમાં ત્રણ જુદા જુદા સ્થળો પર ત્રાટકીને ૨૧,૨૩,૮૫૦ની કુલ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે પ્લાસવા, લાઠોદ્રા, અને માંડોદરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ ૧૫૧૨ બોટલો સહિત ૨૧.૨૩ લાખનો માલ કબજે કરીને બૂટલેગરો પર સપાટો બોલાવ્યો છે.
જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામની સીમમાં પાડવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, ગાંધીગ્રામ, સંજયનગરમાં રહેતો કિશન રામા કોડિયાતર ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો વાહનમાં મંગાવી રેલવે પાટા પાસેના ખરાબામાં કટિંગ કરવાની પેરવીમાં છે. PIએ તેમની ટીમ સાથે દરોડો પાડતા અલગ અલગ બ્રાન્ડની કુલ ૧૫૧૨ બોટલ/ચપટા જેની કિંમત ૫,૫૬,૮૦૦ હતી, તે ઉપરાંત દારૂ ભરેલી મહિન્દ્રા બોલેરો પીક-અપ કિંમત ૫,૦૦,૦૦૦ પણ જપ્ત કરવામાં આવી હતી. પ્લાસવાના આ કેસમાં કુલ ૧૦,૫૬,૮૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને કિશન રામા કોડિયાતરને ફરાર આરોપી જાહેર કરાયો છે.

ક્રાઇમ બ્રાન્ચે બીજી રેડ માળીયા હાટીના તાલુકાના લાઠોદ્રા ગામની સીમ વિસ્તારમાં રહેણાંક મકાનના ઢાળિયામાં છુપાવેલા દારૂના જથ્થા પર દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાં પહોંચીને વિવિધ બ્રાન્ડની કુલ ૧૪૧૪ બોટલ, ચપટા તથા બિયર ટીન જપ્ત કર્યા હતા, જેની કિંમત રૂા.૫,૬૭,૦૫૦/- હતી. આ કેસમાં કુલ ૫,૬૭,૦૫૦ નો મુદ્દામાલ કબજે કરાયો છે અને બાલુ ઉર્ફે મામો બચુભાઈ લાખાણી નામનો આરોપી ફરાર છે.
જયારે ત્રીજી રેડ માણાવદર તાલુકાના માંડોદરા ગામની સીમમાં કરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડતા ખીમાભાઈ ઉકાભાઈ ભારાઈ નામના એક આરોપીને રૂમમાં દારૂની પેટીઓ ગોઠવતા પકડી પાડ્યો હતો. આ સ્થળેથી કુલ ૧૩૦૮ બોટલ/ચપટા/બિયર ટીન જપ્ત થયા હતા, જેની કિંમત ૪,૩૫,૬૦૦ હતી. આ કાર્યવાહીમાં કિશન રામા કોડીયાતર, સાંગા ખીમાભાઈ ભારાઈ અને એક અજાણ્યો શખ્સ ફરાર જાહેર કરાયા છે.
આમ, એક જ દિવસમાં ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢ, માળીયા હાટીના અને માણાવદર જેવા ત્રણ જુદા જુદા વિસ્તારોમાંથી સફળતાપૂર્વક કુલ ૨૧,૨૩,૮૫૦નો વિપુલ જથ્થો કબજે કરીને બૂટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે. પોલીસે ત્રણેય કેસમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


