લાયન્સ વિના ચાલતા ખાણી પીણીનાં સ્ટોલને બંધ કરી દેવાને બદલે મનપાની ફુડ શાખાએ સામે ચાલીને લાયસન્સ આપી દીધા !!
જૂનાગઢ તા. ૧
નવરાત્રી મહોત્સવ દરમ્યાન શહેરમાં ખાનગી પાર્ટી પ્લોટમાં ધમધમતા ખાણી-પીણીના સ્ટોલ પર ફૂડ સેફ્ટીના નિયમોના પાલનમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ફૂડ શાખાની ઘોર બેદરકારી સામે આવી છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાના ફૂડ શાખાના અધિકારીઓને ચોથા નોરતે અચાનક યાદ આવ્યું કે ખાનગી પાર્ટી પ્લોટમાં લાગેલા ખાણી-પીણીના સ્ટોલ પાસે લાયસન્સ નથી. નિયમો મુજબ, લાયસન્સ વિના ચાલતા આવા સ્ટોલને બંધ કરાવી દેવા જાેઈએ અથવા તેમના પર દંડ અને કાયદેસરની કાર્યવાહી થવી જાેઈએ. જાે ફૂડ શાખા કાયદાનું પાલન કરાવવા ઈચ્છતી હોત, તો લાયસન્સ વિના ધંધો કરનારા આવા સ્ટોલના લાયસન્સ રદ કરીને અથવા સ્ટોલ સીલ કરીને અન્ય વેપારીઓ માટે દાખલો બેસાડી શકાતો હતો.
પરંતુ મનપાની ફૂડ શાખાએ કાયદાનું ઉલ્લંઘન કરનારા ૧૨ જેટલા સ્ટોલધારકો પર કોઈ પણ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરવાને બદલે, તેમને સ્થળ પર જ કામચલાઉ રજીસ્ટ્રેશન લાયસન્સ કાઢી આપ્યું હતું.આ ર્નિણય પાછળનું કારણ આપતાં ફૂડ શાખાના અધિકારી યશ ભાલાળાએ જણાવ્યું કે ખરેખર તો સ્ટોલધારકોએ પોતે જ ઓનલાઈન અરજી કરવાની હોય છે પરંતુ, ઘણા સ્ટોલ ધારકો અભણ કે અંગૂઠાછાપ હોય છે, જેને ઓનલાઈન અરજી કરતાં આવડતું ન હોય, તેને ધ્યાને લઈને અમે સામે ચાલીને તત્કાલ લાયસન્સ ઈસ્યુ કર્યું હતું.

અધિકારીએ સ્વીકાર્યું કે તેઓ નવી ભરતી છે અને તેમની ટ્રેનિંગ બાકી છે, તેથી તેઓ કોઈ ફૂડના સેમ્પલ લઈ શકે તેમ નથી. જ્યારે પૂછવામાં આવ્યું કે આ કામગીરી નવરાત્રી શરૂ થયા પહેલા કેમ ન થઈ, ત્યારે અધિકારીએ જણાવ્યું કે અમને જ્યારે અમારી વડી કચેરીએ ગાંધીનગરથી સૂચના આપવામાં આવે, ત્યારે જ અમારે કામગીરી કરવાની હોય છે. આ નિવેદન દર્શાવે છે કે, ફૂડ સેફ્ટી જેવા સંવેદનશીલ મુદ્દે પણ મનપાનું ફૂડ વિભાગ ઉચ્ચ કક્ષાના ‘મેસેજ’ ની રાહ જાેઈને બેઠું હતું.
વિશેષમાં ફૂડ શાખાએ સ્વીકાર્યું કે ઘણા સ્ટોલ ધારકોને તો ખ્યાલ જ ન હતો કે લાયસન્સ લેવું જરૂરી છે. નવરાત્રી દરમિયાન લાયસન્સ લેવા માટે માહિતી આપવામાં આવી હતી, પરંતુ આટલા દિવસ વિતવા છતાં કોઈ અરજી મળી નહોતી. એટલું જ નહીં જુનાગઢ મહાનગર પાલિકાની PRO શાખા દ્વારા ફૂડ વિભાગે ચોથા નોરતે કરેલી કામગીરીની માહિતી આપવામાં આવી હતી. ફૂડ શાખાની આ કામગીરી પરથી લોકોને લાગી રહ્યું છે કે જૂનાગઢ મહાનગર પાલિકાની ફૂડ શાખાએ કાયદાનું કડક પાલન કરાવવાને બદલે વેપારીઓને છાવરવાનું કામ કર્યું છે, જે નાગરિકોના સ્વાસ્થ્ય અને કાયદાના શાસન પર ગંભીર સવાલો ઉભા કરે છે.


