આખરે ગિરનાર પરિક્રમા આ વર્ષે ખરાબ રસ્તાના લઈને મુલત્વી

આખરે ગિરનાર પરિક્રમા આ વર્ષે ખરાબ રસ્તાના લઈને મુલત્વી

જૂનાગઢ તા. ૩૧
ગરવા ગીરનારની લીલી પરીક્રમા ખરાબ રસ્તાને કારણે આખરે મુલત્વી રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. આવતીકાલ તા. ૧ નવેમ્બરનાં રોજ પ્રતિકાત્મક રીતે પરીક્રમાનું મુર્હુત સાચવવામાં આવશે.
ગરવા ગીરનારની લીલી પરીક્રમા દર વર્ષે પરંપરાગત રીતે ભારે ઉત્સાહમય રીતે યોજવામાં આવે છે. અને લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. આ વર્ષે પણ ગીરનારની લીલી પરીક્રમાનાં આયોજન માટે છેલ્લા એક માસ થયા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી હાથ ધરવામાં આવી હતી. અને યાત્રાળુ, ભાવિકોની સુખ સુવિધા માટે અનેક પગલા લેવામાં આવ્યા હતાં. પરીક્રમાનાં રૂટ પણ બનાવવામાં આવ્યા હતાં. દરમ્યાન છેલ્લા પાંચ દિવસ થયા કમોસમી વરસાદને પગલે પરીક્રમા ઉપર સંકટના વાદળો છવાયા હતાં. આ વરસાદને કારણે પરીક્રમાનાં તમામ માર્ગોનું ધોવાણ થયું હતું અને કોઈપણ વાહન પસાર થઈ શકે તેવી સ્થિતિ જ નહતી. આ દરમ્યાન તંત્ર દ્વારા અગાઉથી ખાસ જાહેર જનતા જાેગ ચેતવણી પણ મુકવામાં આવી હતી કે વરસાદની સ્થિતિને લઈને તા. ૩૧ સુધી કોઈએ પરીક્રમા માટે અંદર પ્રવેશવું નહી અને સત્તાવાર રીતે જાહેરાત થાય ત્યાર બાદ જ ભાવિકો તેમજ અન્નક્ષેત્રનાં સંચાલકો માટે આગળની કાર્યવાહી કરવા નિર્દેશ અપાયો હતો. દરમ્યાન આજે પરીક્રમા અંગે નિર્ણય લેવાનો અંતિમ દિવસ હોય આજે સવારે જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાનાં માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગનાં પદાધિકારીઓ અને અધિકારીઓએ પરીક્રમા અંગેની સમીક્ષા કરી હતી. ઉપરાંત પરીક્મા રૂટના ખરાબ રસ્તાના કારણે વહીવટી તંત્ર, સાધુ સંતોની ઉપસ્થિતિમાં પરીક્રમાને મુલત્વી રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાલી પ્રતિકાત્મક પરીક્રમા તા. ૧લીએ રાત્રીનાં મુર્હુત સાચવવા માટે કરવામાં આવશે. સાધુ સંતો અને અમુક ભાવિકો નિકળશે. જયારે જાહેર જનતા માટે પરીક્રમા બંધ રાખવાનો નિર્ણય જીલ્લા વહીવટી તંત્રએ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષો થયા પરંપરાગત રીતે યોજાતી ગીરનારની લીલી પરીક્રમા કોરોના કાળ વખતે બંધ રહી હતી. અને માત્ર રપ ભાવિકોએ પ્રતિકાત્મક પરીક્રમા કરી હતી. અને ત્યારબાદ આ વર્ષે એટલે કે આવતીકાલ તા. ૧લી નવેમ્બરથી શરૂ થતી ગીરનારની લીલી પરીક્રમાને મુલત્વી રાખવાનો તંત્રએ નિર્ણય લીધો છે. પરીક્રમા ર૦રપની સર્વગ્રાહી સમિક્ષા બાદ આજે બપોરે ૩.૩૦ કલાકે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે અને તેમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.