લોહપુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણી જૂનાગઢમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો
બહાઉદ્દીન કોલેજથી સરદાર પટેલની પ્રતિમાના ચોક સુધી જન પ્રતિનિધિઓ અને નાગરિકોએ એકતા રેલીમાં ભાગ લીધો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૩૧
દર વર્ષે તારીખ ૩૧-૧૦-૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય એકતાના પ્રતિક સમાન મહાન સ્વાતંત્ર્ય સેનાની, એક અને અખંડ ભારતના શિલ્પી અને લોહપુરૂષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અનુસાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે રાષ્ટ્રીય એકતા દિવસ જાહેર કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેર ખાતે બહાઉદ્દીન કોલેજથી સરદાર પટેલ પ્રતિમા ચોક સુધી એકતા દોડ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જન પ્રતિનિધિઓ અને નાગરિકોએ ભાગ લીધો હતો. મહેમાઓએ ઝંડી દર્શાવીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનોનું સરદાર પટેલની તસવીર આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું.

રેલીના અંતે સરદાર પટેલજીની પ્રતિમાને મહાનુભાવોએ શ્રદ્ધાપૂર્વક સુતરની આંટી અર્પણ કરી હતી. તેમજ ઉપસ્થિત સર્વેએ રાષ્ટ્ર એકતા જાળવી રાખવાના શપથ ગ્રહણ કર્યા હતા. આ તકે કાર્યક્રમના અધ્યક્ષ અને સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, જિલ્લા ભાજપ વડા ગૌરવભાઈ રૂપારેલીયા, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ મનપાનાં કમિશ્નર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, વિવિધ વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહયા હતાં.


