પીજીવીસીએલે કન્સ્ટ્રકશન કંપનીના વિજ મીટરના છેડા કાપી નાંખતા નરસિંહ મહેતા તળાવ વિસ્તારમાં અંધારાનું સામ્રાજ્ય : અક્ષમ્ય બેદરકારી

પીજીવીસીએલે કન્સ્ટ્રકશન કંપનીના વિજ મીટરના છેડા કાપી નાંખતા નરસિંહ મહેતા તળાવ વિસ્તારમાં અંધારાનું સામ્રાજ્ય : અક્ષમ્ય બેદરકારી

જૂનાગઢ તા. ર૬
જૂનાગઢ શહેરનાં નવલા નજરાણા સમાન નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફીકેશન નવ નિર્માણનું કાર્ય છેલ્લા ૪ વર્ષથી ચાલી રહયું છે અને જૂનાગઢ મનપાનાં સત્તાધિશો દ્વારા અને ભાજપનાં પદાધિકારીઓ દ્વારા વારંવાર એવી ખાત્રી આપવામાં આવે છે કે બસ હવે એક-બે મહીનામાં કામ પુરૂ થઈ જશે પરંતુ તેમ થતું નથી. અને સતત કામ લંબાવે જાય છે. જેમાં કામ રાખનાર એજન્સીની સતત બેદરકારી જવાબદાર હોવાનું મનાય રહયું છે. એટલું જ નહી નરસિંહ મહેતા તળાવની બ્યુટીફીકેશનની કામગીરીમાં પણ લોટ, પાણી અને લાકડા જેવી સ્થિતિ પ્રવર્તી રહી હોવાના વારંવાર અખબારી અહેવાલો પ્રસિધ્ધ થતા રહે છે. પરંતુ તંત્રનાં પેટનું પાણી હલતું નથી. આ દરમ્યાન તળાવની કામગીરી કરી રહેલ દેવર્સ કન્સ્ટ્રકશન કંપનીએ પીજીવીસીએલ પાસેથી કામ ચલાઉ મીટર મેળવેલ જેની મુદત ર૬ ઓકટોબરે પૂર્ણ થતાં ત્યારબાદ ફરીવાર રીન્યુઅલ ન કરાતા પીજીવીસીએલનાં સેન્ટ્રલ સબ ડીવીઝનલ દ્વારા તળાવની કામગીરી કરી રહેલ કન્સ્ટ્રકશન કંપનીનાં મીટરનાં છેડા કાપી નાખવામાં આવતા સમગ્ર નરસિંહ તળાવ વિસ્તારમાં અંધાર છવાયો છે. તળાવ ઉપરાંત સ્ટ્રીટ લાઈટો પણ બંધ છે. જેને કારણે આ રોડ પરથી પસાર થતા વાહનો અને મુસાફરોને ભારે તકલીફ પડે છે. તેમ છતાં મનપા તંત્ર, ભાજપના પદાધિકારીઓ કે બ્યુટીફીકેશનની કામગીરી કરી રહેલ કંપનીના જવાબદારોને કોઈ ફરક પડયો નથી. લોકોનું જે થવાનું હોય તે થાય, અંધારા ભલે રહે, કોઈને જવાબદારી સ્વીકારવી નથી અને પરીણામે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજી પણ નરસિંહ મહેતા તળાવની કામગીરી કયારે પૂર્ણ થશે અને કયારે લોકાર્પણ થશે તેના કોઈ ઠેકાણા નથી. જૂનાગઢના તંત્ર વાહકો નિંભર-જાડી ચામડીના થઈ ગયા છે. તેમને કોઈ બાબતની અસર થતી નથી તેવી લોકચર્ચા થઈ રહી છે.