‘BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ’: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
ગુજરાતના BLO સાથે સીધો સંવાદ; મતદાર યાદીથી મતદાન અને મતગણતરી સુધીની ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને કાયદાકીય જોગવાઈઓ આધારિત હોવાનું જણાવ્યું
ગાંધીનગર તા.11
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હૉલ ખાતે યોજાયેલા ‘ઇન્ટરેકશન વિથ બુથ લેવલ ઓફિસર’ કાર્યક્રમમાં ગુજરાતના બૂથ લેવલ ઓફિસર્સ એટલે કે BLO સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતની ચૂંટણી પ્રક્રિયા બંધારણ, ચૂંટણી કાયદાઓ અને ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર હાથ ધરવામાં આવે છે અને આ સમગ્ર વ્યવસ્થાને જમીની સ્તરે મતદારો સુધી પહોંચાડવામાં BLOની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.
જ્ઞાનેશ કુમારે BLOને ચૂંટણી પંચના પરિવારના મહત્વપૂર્ણ સભ્યો ગણાવતાં કહ્યું હતું કે જ્યારે કોઈ BLO મતદારના ઘરે જાય છે અથવા ફોન પર તેની સાથે વાત કરે છે ત્યારે તે મતદાર માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ હોય છે. મતદાર યાદીમાં યોગ્ય નોંધણી, જરૂરી સુધારા અને મતદાન પ્રક્રિયામાં મતદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં BLO મહત્વની કડી તરીકે કામ કરે છે.
તેમણે જણાવ્યું હતું કે દેશના આશરે ૯૦ કરોડ મતદારો સાથે જોડાયેલી ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ રીતે આગળ વધારવા દેશભરમાં ૧૧ લાખથી વધુ BLO કાર્યરત છે. ચૂંટણી પંચના આ વિશાળ નેટવર્ક સાથે સતત સંવાદ અને તાલીમ જળવાઈ રહે તે માટે બેઠકો, તાલીમ કાર્યક્રમો અને ECI-Net જેવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મતદાર યાદીની પારદર્શિતા અંગે તેમણે જણાવ્યું હતું કે સમગ્ર પ્રક્રિયામાં રાજકીય પક્ષો અને તેમના બૂથ લેવલ એજન્ટ્સની પણ ભાગીદારી રહે છે. Absent, Shifted, Dead, Duplicate અને Foreigner એટલે કે ASDDF જેવા કિસ્સાઓની ઓળખ સાથે પાત્ર મતદારોનાં નામ યાદીમાં જળવાઈ રહે તે માટે BLO દ્વારા કામગીરી કરવામાં આવે છે. તેમણે ખાસ ભાર મૂક્યો હતો કે ૧૮ વર્ષ પૂર્ણ કરનાર દરેક પાત્ર ભારતીય નાગરિકનું નામ મતદાર યાદીમાં નોંધાવું જોઈએ.
મતદાન પ્રક્રિયા અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે મતદાન શરૂ થતાં પહેલાં ઉમેદવારોના પોલિંગ એજન્ટ્સની હાજરીમાં મૉક પોલ દ્વારા EVM અને VVPATની ચકાસણી કરવામાં આવે છે. મતદાન પૂર્ણ થયા બાદ પણ નિયત પ્રક્રિયા ઉમેદવારોના એજન્ટ્સની હાજરીમાં હાથ ધરવામાં આવે છે. મતગણતરી દરમિયાન કાઉન્ટિંગ એજન્ટ્સની હાજરીમાં EVMમાં નોંધાયેલા મત અને ફોર્મ 17Cમાં દર્શાવાયેલા મતની ચકાસણી કરવામાં આવે છે. તેમના જણાવ્યા પ્રમાણે ચૂંટણીના વિવિધ તબક્કે ઉમેદવારો અને તેમના એજન્ટ્સની ભાગીદારી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં મહત્વની છે.
જ્ઞાનેશ કુમારે વિશેષ સઘન સુધારણા એટલે કે SIR પ્રક્રિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે મતદાર યાદીની શુદ્ધતા અને ચોકસાઈ જાળવવા સમયાંતરે પુનરીક્ષણ હાથ ધરવામાં આવે છે. આ પ્રક્રિયામાં BLO ઘરે-ઘરે જઈ મતદારોનો સંપર્ક કરે છે અને જરૂરી વિગતોની ચકાસણી કરે છે. દસ્તાવેજો, મેપિંગ અને સુનાવણી સહિતની નિયત પ્રક્રિયા દ્વારા મતદાર યાદીને વધુ ચોક્કસ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
તેમણે BLOને પોતાના વિસ્તારમાં મતદાર યાદીની સતત ચકાસણી કરવા અને ૧૮ વર્ષ પૂર્ણ કરનારા યુવાનોના નામ ઉમેરવા માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવા અનુરોધ કર્યો હતો. સાથે જ BLOની નિષ્ઠા, મહેનત અને નિષ્પક્ષ કામગીરીને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા માટે નિર્ણાયક ગણાવી હતી.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સંદીપ સાગળેએ મુખ્ય ચૂંટણી કમિશનરનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે દેશની ચૂંટણી વ્યવસ્થાના સર્વોચ્ચ અધિકારી અને બુથ લેવલના અધિકારીઓ વચ્ચે સીધો સંવાદ થવો એ મહત્વપૂર્ણ અવસર છે. તેમણે BLOને ચૂંટણી પંચ અને નાગરિકો વચ્ચેની મહત્વપૂર્ણ કડી તેમજ લોકશાહી ભાગીદારીના રાજદૂત ગણાવ્યા હતા.
સંદીપ સાગળેએ વધુમાં જણાવ્યું હતું કે ટેક્નોલોજી આધારિત ચૂંટણી વ્યવસ્થાની સાથે મેદાનમાં કામ કરતા BLOના અનુભવો, પડકારો અને સૂચનોને મહત્વ આપવાથી ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ અને અસરકારક બનાવી શકાય છે. કાર્યક્રમના અંતે ગાંધીનગર કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી રવિન્દ્ર ખતાલેએ આભારવિધિ કરી હતી.


