વેરાવળના મંડોરમાં ગેરકાયદે સિંહ દર્શનનો પર્દાફાશ, મોરબીના બે સહિત સાત શખ્સો ઝડપાયા
દરોડામાં મળી આવેલ નંબર પ્લેટ વગરની થાર પર ‘મંત્રી, મોરબી શહેર ભાજપ’નું બોર્ડ મળતાં અનેક સવાલો : મંડોરનો શખ્સ ગેરકાયદેસર સિંહદર્શન કરાવતો હોવાનો ઘટસ્ફોટ થયો : મંડોરના શખ્સની વાડીએ દારૂ ચિકનની પાર્ટી કર્યા બાદ રાત્રીના ગેરકાયદેસર સિંહ દર્શન કરવા નિકળેલ : વનવિભાગએ ચાર લાખનો દંડ ફટકાર્યો તો પોલીસે પ્રોહી એકટ હેઠળ ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.18
વેરાવળ તાલુકાના મંડોર ગામની સીમમાં ગેરકાયદે સિંહ દર્શન અંગે ગ્રામજનોની સતર્કતા બાદ વન વિભાગે પાડેલા દરોડામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચા એક મહિન્દ્રા થાર કારને લઈને શરૂ થઈ છે કારણ કે, સ્થળ પરથી મળી આવેલી મહિન્દ્રા થાર કાર પર નિયમ મુજબ નંબર પ્લેટ ન હોવા ઉપરાંત તેની આગળના કાચ પર "મંત્રી, મોરબી શહેર ભાજપ" લખાયેલું બોર્ડ લગાવેલું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના માત્ર ગેરકાયદે સિંહ દર્શન પુરતી સિમિત નથી પરંતુ રાજકીય ઓથનું પ્રદર્શન અને કાયદાના પાલન અંગે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. ત્યારે આ મામલે વન વિભાગએ સાતેય આરોપીઓને ઝડપી લીધા હતા. બાદ મોડીસાંજે ગેરકાયદેસર સિંહ દર્શન કરાવનાર મંડોરના મુખ્ય સુત્રધાર સહિત સાત શખ્સોને રૂા.4 લાખનો દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરી છે. તો થાર કારમાંથી દારૂની બોટલ મળેલ હોવાથી પ્રભાસ પાટણ પોલીસએ પ્રોહી. એકટ મુજબ ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે. આ ચકચારી ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ ગતરાત્રિના સમયે વેરાવળ તાલુકાના મંડોર ગામની સીમમાં કેટલાક લોકો દ્વારા ગેરકાયદે રીતે સિંહ દર્શન કરાવવામાં આવતું હોવાની બાતમીના આધારે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગની ટીમ સ્થળે પર પહોંચતાં જ હાજર લોકો અંધારાનો લાભ લઈ વાહનો મુકી ફરાર થઈ ગયા હતા. જોકે સ્થળ પરથી એક થાર કાર અને મોપેડ મળી આવેલ જેને વન વિભાગની ટીમે કબજે લીધા હતા. આ ઘટનામાં સૌથી વધુ ચર્ચા થાર કારને લઈને થઈ રહી છે. જે અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ થાર કાર પર નિયમોનુસાર નંબર પ્લેટ જોવા મળી નહોતી પરંતુ કારની આગળના કાચ પર ‘મંત્રી, મોરબી શહેર ભાજપ’ લખાયેલું બોર્ડ સ્પષ્ટ દેખાતું હતું. જેના કારણે સવાલ ઉભો થયો છે કે જો વાહન કોઈ રાજકીય હોદ્દેદાર અથવા તેમના નજીકના વ્યક્તિ સાથે સંકળાયેલું હોય તો તે ગીરના સંવેદનશીલ જંગલ વિસ્તારમાં રાત્રિના સમયે શું કરી રહ્યું હતું ? આ ઘટના અંગે મંડોર ગામના અગ્રણી કરશન બારડે આક્રોશ વ્યક્ત કરતાં જણાવેલ કે, અમારા ગામના સીમ વિસ્તારમાં બહારથી આવતાં કેટલાક લોકો વારંવાર ગેરકાયદે સિંહ દર્શન માટે સીમમાં ઘૂસી આવે છે. આવા લોકો સામે કાર્યવાહી થતી વખતે સ્થાનિક ખેડૂતોને મુશ્કેલી ભોગવવી પડે છે. જેથી તેમણે માંગ કરી હતી કે વાહન પર લાગેલા રાજકીય બોર્ડ કે અન્ય કોઈ પ્રભાવને ધ્યાનમાં લીધા વગર વન વિભાગ અને સંબંધિત એજન્સીઓ સંપૂર્ણ તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરે તેવી માંગણી છે. ગ્રામજનોનું કહેવું છે કે જો સામાન્ય નાગરિક માટે જંગલના નિયમો કડક હોય તો રાજકીય ઓળખ દર્શાવતા બોર્ડ ધરાવતા વાહનો માટે પણ એ જ નિયમો લાગુ પડવા જોઈએ. ઘટનાએ એ પ્રશ્ન પણ ઉભો કર્યો છે કે શું રાજકીય હોદ્દાના નામે કેટલાક લોકો ગીર વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે ? હાલ વન વિભાગે કબજે કરાયેલા વાહનોની વિગતોના આધારે માલિકીની વિગતો જાણવા અને ઘટનામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવા તપાસ શરૂ કરી છે. આ મામલે દિવસ દરમ્યાન થયેલ તપાસમાં જાણવા મળેલ માહિતી અંગે આરએફઓ યોગેશ કાલસરિયાના જણાવ્યા મુજબ મોરબી શહેર ભાજપના મંત્રી કેવલ ગજીયાના મામાનો દિકરો બોર્ડ લગાવી થાર કાર લઈ ગીરમાં આવેલ હતો. અહીં મોરબીના ઘેલુ નાથાભાઇ કુંભરવડિયાએ ત્રણ મિત્રો સાથે મંડોરના અલ્ફાઝ મલેકની વાડીમાં દારૂ ચિકનની પાર્ટી કરી હતી. બાદમાં મોડી રાત્રે સિંહ દર્શન કરવા નિકળેલ ત્યારે વન વિભાગના પેટ્રોલીંગ સ્ટાફને જોઈ તમામ શખ્સો કાર અને સ્કુટર રેઢા મુકી નાસી છુટેલ હતા. ત્યારે વાહનોના માલિકની વિગતો મેળવી તપાસ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જે મુજબ મંડોરનો અલ્ફાઝ અનવર મલેક ગેરકાયદેસર સિંહ દર્શન કરાવતો હોવાનું સામે આવ્યુ હતુ. આ મામલે સમગ્ર પ્રકરણમાં સામેલ મંડોરના મુખ્ય સુત્રધાર (1) અલ્ફાઝ અનવર મલેક રહે.મંડોર, (2) સુલતાન ભીખા બાલાગામીયા રહે.ભેરાળા, (3) અંકિત કેસુર નાઘેરા રહે.કુકરાશ (4) રામ મનદીપ ભાવેશ રહે.ઉંમરેઠી, (5) યશ દિલીપ ધ્રામણચોટીયા, (6) ઘેલું નાથા કુંભરવડિયા રહે.મોરબી, (7) દશરથ સુરેશ ડાભી રહે.મોરબી વાળાને વન વિભાગે કરી ઝડપી પાડયા હતા. સાતેય આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી રૂા.4 લાખનો દંડ ફટકાર્યો હતો. જ્યારે આ પ્રકરણમાં થાર કારમાંથી દારૂની બોટલ મળી હોવાથી વન વિભાગએ મોરબીના બંન્ને શખ્સોને થાર કાર સાથે પ્રભાસપાટણ પોલીસને હવાલે કરતા પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.


