કેશોદ સરકારી ફાઇબર હોડી દુરૂપયોગ મુદ્દે અખોદડ સરપંચને હોદા ઉપરથી દૂર કરવા માંગ
વિરોધ પ્રદર્શનમાં ઉપયોગ કરાયેલ હોડી પોલીસે કબ્જે લીધી હતી, ડીડીઓને રજૂઆત કરી
(પ્રતિનિધિ દ્વારા)
કેશોદ તા.૩૦
કેશોદ તાલુકાના અખોદડ ગ્રા. પં. ને આપાતકાલીન સ્થિતિ માટે ફાળવવામાં આવેલી સરકારી ફાઈબર હોડીના દુરૂપયોગ અંગે ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અખોદડ સરપંચ સામે લેખિત રજૂઆત કરી ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ હોદ્દા પરથી ગેરલાયક ઠેરવવાની માંગ કરાતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ગત વર્ષે ચોમાસા દરમિયાન કેશોદ શહેરના અંડરબ્રિજમાં ભરાયેલા પાણીના વિરોધ પ્રદર્શનમાં અખોદડ પંચાયતની સરકારી હોડીનો ઉપયોગ થયો હતો. પોલીસે સરકારી માલમત્તાના દુરપયોગ અંગે સરપંચે ફરિયાદ નોંધાવતા પોલીસે બોટને મદામાલ તરીકે સીઝ કરી હતી હાલ આ બોટ કેશોદ પોલીસ સ્ટેશન પરિસરમાં અસ્ત-વ્યસ્ત હાલતમાં પડી છે. ઘેડ વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાય તો લોકોના બચાવ કાર્ય માટે આ બોટ ઉપલબ્ધ નથી. સ્થાનિક સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક રાજેશકુમાર ગૌરીશંકર પંડયાએ આ બાબતે ડીડીઓને લેખિત રજૂઆત કરી આક્ષેપ કર્યો છે કે સરપંચે તેમના હોદ્દાનો દુરુપયોગ કર્યો હોય, સરપંચે અંગત સંબંધો સાચવવા બોટ અન્ય લોકોને સોંપી દીધી હોય, પૂરની સ્થિતિમાં લોકોના જીવ જોખમમાં મૂકાય તેવી બેદરકારી દાખવવામાં આવી હોય તેન તપાસ કરી અખોદડ સરપંચ દેવાણંદભાઈ સવદાસભાઈ પિઠીયા સામે ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૭ (૧) ની (૧ )ઠ૨)(૩) હેઠળ કડક પગલાં ભરી તેમને હોદ્દા પરથી મુક્ત કરવા માંગ કરાઈ છે.


