‘સિંહો’નું વેકેશન પુર્ણ : આજથી લાયન સફારીનો પ્રારંભ

‘સિંહો’નું વેકેશન પુર્ણ : આજથી લાયન સફારીનો પ્રારંભ

જૂનાગઢ તા. ૯
જૂનાગઢ સહીત રાજયભરમાં આવેલા અભિયારણ્યો આજથી પ્રવાસી જનતા માટે ખુલ્લા મુકવામાં આવેલ છે. આજે ગીર સોમનાથ જીલ્લાનાં સાસણની ગીર જંગલ સફારી વહેલી સવારે ખુલ્લી મુકવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ ફલેગઓફ આવ્યા બાદ પ્રવાસીઓનો પ્રથમ કાફલો રવાના થયો હતો. અને વન્યજીવોનાં દર્શન માટે પ્રવાસીઓ રોમાંચીત બન્યા હતા.
વિશ્વ વિખ્યાત એવા એશીયાટીક સિંહોનાં એકમાત્ર રહેઠાણ સાસણ ગીર પ્રવાસીઓ માટે આજ તા. ૯ ઓકટોબરથી ખોલી નાખવામાં આવ્યા હતાં. વહેલી સવારથી જ પર્યટકો સિંહ દર્શન માટે જંગલ સફારીનો આનંદ માણ્યો હતો. જૂનાગઢની ગીરનાર નેચર સફારી અને સાસણની ગીર જંગલ સફારી આજથી પુર્ન: પ્રવાસી જનતા માટે ખુલ્લી મુકાતા પ્રવાસી જનતા હવે તેનો આનંદ માણી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુ અને મેટીંગ પીરીયડને ધ્યાને રાખીને તા. ૧૬ જુનથી ૧પ ઓકટોબર સુધીમાં સફારી પ્રવાસીઓ માટે બંધ રાખવાનો કાર્યક્રમ દર વર્ષે યોજાય છે. દરમ્યાન આ વર્ષે વરસાદ ઓછો હોવાના કારણે સફારી વહેલી શરૂ કરવામાં આવી છે. ૧પ ઓકટોબર પછી જ સફારી શરૂ થવાનો નિયમ હતો જેમાં આ વર્ષે ફેરફાર થયો છે અને ૭ દિવસ વહેલા સફારી પાર્કો આજથી ખુલ્લા મુકવામાં આવેલ છે. ગીરનાર નેચર સફારીમાં સવારે અને સાંજની મળીને કુલ ૮ પરમીટો હોય છે. જયારે ગીર જંગલ સફારીમાં સવાર, બપોર સાંજ મળીને કુલ ૧પ૦ પરમીટો હોય છે. દરમ્યાન વન વિભાગ દ્વારા સફારી શરૂ થવાની જાહેરાત થતાં જ ઓનલાઈન સાઈટ પરથી બુકીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. 
આજથી જંગલ સફારી શરૂ થઈ છે ત્યારે આગામી તહેવારો અને દિવાળીનાં વેકેશનમાં પ્રવાસી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડશે.