દિલજીત દોસાંજે કચ્છના સફેદ રણની મુલાકાત લીધી

દિલજીત દોસાંજે કચ્છના સફેદ રણની મુલાકાત લીધી

(બ્યુરો)           ગાંધીધામ તા.૨૪
અમદાવાદ ખાતે પોતાના ‘દિલ-લુમિનાટી‘ (Dil-Luminati) કોન્સર્ટમાં હજારો ચાહકોને ઝૂમાવ્યા બાદ કચ્છના મહેમાન બનેલા સુપરસ્ટાર દિલજીત દોસાંઝ ૨૩ તારીખે કચ્છના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે કચ્છની લોકસંસ્કૃતિ, સફેદ રણની સુંદરતા અને કચ્છી મહેમાનગતિને મન ભરીને માણી હતી. કચ્છના રણોત્સવમાં પહોંચતા જ સ્થાનિક કલાકારોએ પરંપરાગત વેશભૂષામાં દિલજીત દોસાંઝનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. દિલજીતે પણ હાથ જોડીને વિનમ્રતાપૂર્વક સૌનું અભિવાદન ઝીલ્યું હતું. 
ત્યાર બાદ સફેદ રણમાં ઢળતી સાંજના સોનેરી સૂર્યાસ્ત વચ્ચે દિલજીતે શાંતિથી બેસીને પ્રકૃતિના અલૌકિક સૌંદર્યને નિહાળ્યું હતું. સૌથી આકર્ષક પાસું રાત્રિના સમયે સફેદ રણની સફર છે. પૂનમ જેવી ખીલેલી ચાંદની રાતમાં દિલજીત દોસાંઝ રંગબેરંગી શણગારેલી ઊંટગાડી (Camel Cart)માં બેસીને "રંગ ભરી અલ રાત પૂનમની..." લોકગીત સાંભળતા-સાંભળતા સફેદ રણની મજા માણી હતી.