ઉપલા દાતાર બાપુનાં દર્શને એક લાખથી વધુ પરીક્રમાર્થીઓ ઉમટી પડયા

ઉપલા દાતાર બાપુનાં દર્શને એક લાખથી વધુ પરીક્રમાર્થીઓ ઉમટી પડયા

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૩
જૂનાગઢ ઉપલા દાતારની ધામિર્ક જગ્યા ખાતે ગિરનારની પરિક્રમા કરવા આવેલા ભાવિક ભક્તોએ ગિરનારની પરિક્રમા પૂર્ણ કરી ઉપલા દાતારની જગ્યા ખાતે દાતાર બાપુના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધામિર્ક જગ્યામાં પરિક્રમાથીઓની છેલ્લા બે દિવસથી ભારે મોટી ભીડ જોવા મળી હતી. રોજના ૨૦થી ૨૫ હજાર જેટલા ભાવિકો અવીરત પણે દાતારની ૩૦૦૦ પગથિયા ચડી ઉપલા દાતારની જગ્યાએ જઇ ચડ્યા હતા.
દાતાર બાપુના દર્શન કર્યા હતા અને દાતાર બાપુના દરબારમાં સિસ નમાવી ધન્યતા અનુભવી હતી. જગ્યાના મહંત ભીમબાપુ દ્વારા દાતારની જગ્યાએ ચાલી રહેલું અવિરત અન્નક્ષેત્રમાં ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી અને આ તકે દાતારના સેવકો અને દાતારની જગ્યામાં સેવા આપતા ટેલીયાઓએ રાત દિવસ જોયા વગર સતત પધારેલા ભાવિક ભક્તો માટે સુંદર મજાની દર્શનની વ્યવસ્થા અને ભોજન પ્રસાદ ગ્રહણ કરવાની વ્યવસ્થા કરી હતી. ઉપલા દાતારની જગ્યા વિલિંગન ડેમ પાસેના આશ્રમ ખાતે પણ ભાવિકોને રહેવા, ઉતરવા, સામાન રાખવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને સીડી પાસેના પંડાલમાં સતત અવિરત પણે ચા-પાણી અને નાસ્તાની પણ સુંદર મજાની વ્યવસ્થા કરાઈ હતી. તેમજ આખા રસ્તે આવેલી બધી જગ્યાઓએ નિ:શુલ્ક ચા-પાણી અને સીડી ઉપર પણ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તો દાતાર બાપુની જગ્યાએ જઈ અને દાતાર બાપુના દર્શન કરી ધન્ય બન્યા હતા. પરિક્રમા દરમ્યાન ઉપલા દાતારની જગ્યા ખાતે અંદાજે એક લાખની આજુબાજુ ભાવિક ભક્તોએ દાતાર બાપુના દર્શન કર્યા હતા અને અનક્ષેત્રમાં પ્રસાદ ગ્રહણ કર્યો હતો.