લાંબા સમયની લોકલાગણીનો પડઘો પડયો જૂનાગઢ શહેરમાં ખામધ્રોળ-જાેષીપરાની ર૦ સોસાયટીઓમાં અશાંતધારો લાગુ
તા. ૧૮-ર-ર૦ર૬ થી તા. ૧૭-ર-ર૦૩૧ સુધીની મુદત માટે અશાંતક્ષેત્ર જાહેર કરાયું : મિલ્કતનાં ખરીદ-વેચાણ માટે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની પૂર્વ મંજુરી જરૂરી
જૂનાગઢ તા. ર૦
જૂનાગઢ શહેરમાં ખામધ્રોળ તેમજ જાેષીપરાની વિવિધ સોસાયટીઓમાં રહેતા રહેવાશીઓ દ્વારા પોતાનાં વિસ્તારને અશાંતધારા હેઠળ આવરી લેવા માટે વ્યાપક રજુઆતો, આવેદનપત્ર, રેલી અને સંબંધીત તંત્રને તેમજ સરકારમાં પણ રજુઆતો કરવામાં આવી હતી. જુદી જુદી સોસાયટીઓના રહેવાશીઓનું કહેવું હતું કે તેમનાં વિસ્તારમાં વિદ્યર્મીઓનાં પગપેશારાનાં પગલે સ્થાનિક લોકો હીઝરત કરતા હોવાની ફરીયાદ વ્યકત કરવામાં આવી હતી. તેમજ જે તે વિસ્તારમાં ઉંચી કિંમતે મકાનો વિદ્યર્મીઓ દ્વારા લેવામાં આવતા હોવાની સનસનીખેજ વિગતો પણ સંબંધીત તંત્રને રજુ કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારનાં લોકોની લાગણી અને માગણીને ધ્યાને લઈ આખરે ગઈકાલે શહેરનાં ખામધ્રોળ અને જાેષીપરા વિસ્તારની ર૦ જેટલી સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરી દેવામાં આવેલ છે. અને જેને લઈને ઉપરોકત સોસાયટીઓનાં રહેવાસીઓમાં આનંદ અને ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં પાંચ વર્ષ માટે અશાંતક્ષેત્ર તરીકે ઉપરોકત વિસ્તાર જાહેર કરાયો છે. અને મિલ્કતની લે-વેચ માટે પણ સંબંધીત અધિકારીની પરવાનગી બાદ જ થઈ શકશે તેવું આ જાહેરનામામાં દર્શાવવામાં આવેલ છે.
આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં છેલ્લા સાતેક વર્ષથી અશાંતધારાની માંગણીઓ ઉઠી રહી છે. પરંતુ તેને કયારેય મંજુરી આપવામાં આવી ન હતી. પરંતુ ગઈકાલે સત્તાવાર રીતે આખરે શહેરનાં નવા જૂનાગઢ ગણાતા એવા ખામધ્રોળ રોડ અને જાેષીપરા વિસ્તારની ર૦ જેટલી સોસાયટી વિસ્તારને અશાંતક્ષેત્ર તરીકે જાહેર કરી દેવામાં આવતા ખુશીની લહેર દોડી ગયેલ છે. જેનો અમલ આગામી પાંચ વર્ષ સુધી રહેશે. જૂનાગઢ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડયું છે. જેમાં જણાવ્યું છે કે શહેરનાં ખામધ્રોળ વિસ્તારમાં હેમાવન સોસાયટી, રાજમોતી સોસાયટી, પ્રેરણાધામ ૧-ર, કલાપીનગર, પુનમ પાર્ક, સુદર્શન પાર્ક, શ્યામલ પાર્ક, ક્રિષ્ના પાર્ક, દ્વારકેશનગર, ગોકુલધામ સોસાયટી, અર્જુન પાર્ક સોસાયટી, ખોડીયારનગર, રીવર વિલા સોસાયટી તેમજ જાેષીપરા વિસ્તારમાં સર્વોદય સોસાયટી, આદિત્યનગર, નંદનવન સોસાયટી, અમૃતકલા સોસાયટી, ભગીરથ ડુપ્લેક્ષ વિસ્તારોમાં અશાંતક્ષેત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સરકારના મહેસુલ વિભાગનાં જાહેરનામાં અનુસાર તા. ૧૮ ફેબ્રુઆરી ર૦ર૬થી તા. ૧૭ ફેબ્રુઆરી ર૦૩૧ સુધી અશાંતક્ષેત્ર તરીકે જાહેર કરેલ છે. આ કાયદાની કલમ ૪, પ, પ એ હેઠળના અધિકારો સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ જૂનાગઢને એનાયત કરવામાં આવેલ છે. ઉપરોકત જાહેરનામાં મુજબની સ્થાવર મિલ્કતોની તબદીલી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ જૂનાગઢની પૂર્વ પરવાનગી વિના થઈ શકશે નહી.



