જૂનાગઢમાં તહેવારોમાં ટ્રાફીકની સમસ્યા માથાનો દુ:ખાવો બનશે

ભુગર્ભ ગટર, રસ્તાની કામગીરી સબબ રસ્તા બંધ થતાં વૈકલ્પિક માર્ગો ઉપર ભારે ટ્રાફીક

જૂનાગઢમાં તહેવારોમાં ટ્રાફીકની સમસ્યા માથાનો દુ:ખાવો બનશે

જૂનાગઢ તા. ૯
જૂનાગઢ શહેરમાં વિવિધ કામગીરી સબબ રસ્તાઓમાં ખોદકામ કરવામાં આવ્યા છે અને વાહનચાલકો તેમજ લોકોને અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા માટેના માર્ગ આપવામાં આવ્યા છે. ત્યારે આ માર્ગો ઉપર ટ્રાફીકનું ભારણ વધી ગયું છે અને તહેવારો દરમ્યાન ટ્રાફીકમાં સતત વધારો થશે અને ટ્રાફીક સમસ્યા ગંભીર બને તેવો ભય વ્યકત થઈ રહયો છે. આગામી દિવસોમાં ખાસ કરીને  ટ્રાફીક  વ્યવસ્થા વધુ સુનિશ્ચીત કરી યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.
જૂનાગઢ શહેરનાં રાજમાર્ગો ઉપર કયાંક રસ્તાનાં કામો માટે  ખોદકામ થયું છે તો રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક સુધીના માર્ગમાં ભુગર્ભ ગટર ફેઝ-ર ની કામગીરી હાલ જાેરશોરથી ચાલી રહી છે. ટ્રાફીકથી ધમધમતા આ માર્ગ છે જયાં નાના મોટા સેંકડો વાહનો ર૪ કલાક દરમ્યાન પસાર થતાં હશે હવે આ માર્ગ રપ નવેમ્બર સુધી બંધ કરવામાં આવ્યો છે અને વાહન ચાલકો, રાહદારીઓને વૈકલ્પિક માર્ગ અપાયો છે.  જેમાં મજેવડી દરવાજા તરફથી આવતા તમામ પ્રકારનાં વાહનો રેલ્વે સ્ટેશન, કોર્ટ રોડ, ચિતાખાના ચોક, ગાંધી ચોક અને બસ સ્ટેશન રોડ પરથી પસાર કરવા માટે વ્યવસ્થા ગોઠવાઈ છે. જયારથી વૈકલ્પિક માર્ગ જાહેર થયો છે ત્યારથી ઉપરોકત માર્ગ ઉપર ટ્રાફીકનું ભારણ ખુબજ વધી ગયું છે. નાના મોટા વાહનો એસટીની બસો સહીતના વાહનો દિવસ રાત આ માર્ગ ઉપર અવર-જવર કરતા હોવાનાં કારણે આ માર્ગ વધુ ગીચ બની જાય છે. એક તો સાંકડા રસ્તા પહેલાથી જ છે તેમાં પણ વધારાનાં તમામ પ્રકારનાં વાહનો આ માર્ગ ઉપરથી હાલ પસાર થઈ રહયા છે જેથી ટ્રાફીક સમસ્યા સર્જાઈ છે. મજેવડી દરવાજા, રેલ્વે સ્ટેશનથી કોર્ટ રોડ, ચિતાખાના ચોક, એમજી રોડ પર વાહન વ્યવહાર વધ્યો છે. બીજીતરફ જવાહર રોડ ઉપર પણ રસ્તાની કામગીરી સબબ આ માર્ગ બંધ છે અને ત્યાં પણ નાના વાહનચાલકો અને રાહદારીઓને કડીયાવાડમાંથી અવર-જવર કરવી પડે છે. આ ઉપરાંત ગિરનાર દરવાજાનો માર્ગ પણ રસ્તાની કામગીરીને કારણે બંધ હોવાથી જાે ગિરનાર દરવાજાથી લીમડા ચોક આવવું હોય તો દાતાર રોડથી કડીયાવાડ અને ત્યાંથી લીમડા ચોક સુધી પહોંચી શકાય જેને લઈને લાંબુ ચકકર કાપવું પડે છે. આ ઉપરાંત સકકરબાગ પાસે રસ્તાની કામગીરીને કારણે વાહન વ્યવહાર  માટે લોકો હાલાકીનો સામનો કરી રહયા છે. હીરોના શો-રૂમ નજીક રસ્તાની કામગીરીને કારણે પાછળની સાઈડમાં વૈકલ્પિક માર્ગ અપાયો છે. ત્યાં પણ વાહનોની સતત અવરજવર વધી ગઈ છે. જૂનાગઢ શહેરમાં રસ્તા તેમજ અન્ય કામગીરી સબબ ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવાના કારણે જે તે રસ્તામાં ટ્રાફીકનું ભારણ વધ્યું છે. દરમ્યાન રવિવાર તા.૧૧-૧૦-ર૬ થી નવરાત્રીના પ્રારંભ સાથે તહેવારોની મોસમ શરૂ થશે જે છેક દેવ દિવાળીનાં પર્વ સુધી ચાલશે અને ત્યાં જ પરીક્રમા શરૂ થશે. જેથી બહારગામથી આવતા પ્રવાસી, યાત્રાળુઓની સંખ્યામાં સતત વધારો થશે. આ સાથેજ ટ્રાફીકનું ભારણ પણ વધશે તેમ મનાઈ જેથી શહેરમાં તહેવારો દરમ્યાન ટ્રાફીક વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે વહેલી તકે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માંગણી છે. ખાસ કરીને વિવિધ માર્ગો ઉપરના કથિત દબાણો દુર કરવાની જરૂર છે. તેમજ રસ્તા ઉપર જયાં ત્યાં આડેધડ પાર્ક થતાં વાહનો સામે કડક કાર્યવાહી કરી અને જવાબદારો સામે પગલા ભરવા આમ જનતામાંથી માંગણી ઉઠવા પામી છે.  આ સાથે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.