કમલેશ્વર ડેમને સૌની યોજના સાથે જાેડવાની કવાયત તેજ
આંબાજળ ડેમથી માત્ર ૭થી ૮ કિ.મી. દૂર આવેલા કમલેશ્વર ડેમ સુધી નર્મદાનું પાણી પહોંચાડવા ધારાસભ્ય ભગવાન બારડની પહેલ
(જાદવ ભોળા દ્વારા)
લોઢવા તા ૨૩
ગીર પંથકના સિંહો અને વન્યપ્રાણીઓની સાથે તાલાલા શહેર તથા આસપાસનાં ૨૫થી ૩૦ ગામોની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે કમલેશ્વર ડેમને સૌની યોજના સાથે જાેડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આંબાજળ ડેમથી કમલેશ્વર ડેમ સુધી સૌની યોજનાનું પાણી પહોંચાડવાની શક્યતાઓ ચકાસવા તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બંને ડેમની સ્થળ મુલાકાત કરી જરૂરી વિગતો એકત્રિત કરી હતી.
વિસાવદર તાલુકાના સતાધાર નજીક આવેલા આંબાજળ ડેમ સુધી સૌની યોજના મારફતે નર્મદાનું પાણી પહોંચ્યું છે. આંબાજળ ડેમથી માત્ર ૭થી ૮ કિલોમીટરના અંતરે તાલાલા પંથકની જીવાદોરી સમાન કમલેશ્વર ડેમ આવેલો છે. આંબાજળથી કમલેશ્વર ડેમ સુધી સૌની યોજનાના નીર પહોંચાડવામાં આવે તો તાલાલા શહેર અને આસપાસનાં ગામોને પીવાના પાણીની સુવિધા મળી શકે તેમ છે. સાથે જ ગીરના જંગલમાં વસવાટ કરતા સિંહો અને અન્ય વન્યપ્રાણીઓ માટે પણ પાણીની ઉપલબ્ધતા વધારી શકાય તેમ છે.ઉલ્લેખનીય છે કે, ઓછા વરસાદના કારણે આ વર્ષે કમલેશ્વર ડેમમાં નવા નીરની આવક થઈ નથી. હાલ ડેમમાં માત્ર ૨૭ ટકા જેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. સિંહો અને વન્યપ્રાણીઓ માટે અનામત રાખવામાં આવેલા પાણીના જથ્થામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ઉનાળાના દિવસોમાં પાણીની સમસ્યા ઊભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
કમલેશ્વર ડેમને સૌની યોજનામાં સમાવવાની તાલાલા પંથકની વિવિધ સંસ્થાઓ, સરપંચો અને સહકારી સંસ્થાઓ દ્વારા પણ સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. ધારાસભ્ય ભગવાનભાઈ બારડે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે પાણી પહોંચાડવાની ટેકનિકલ શક્યતાઓ અને જરૂરી કામગીરી અંગે ચર્ચા કરી વિગતો મેળવી હતી. આ વિગતોના આધારે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી કમલેશ્વર ડેમનો સૌની યોજનામાં સમાવેશ કરવાની માંગણી કરવામાં આવશે.
દરમિયાન કમલેશ્વર ડેમ ખાતે નવી હેડ રેગ્યુલેટર બનાવવાની કામગીરીનું પણ ધારાસભ્યએ નિરીક્ષણ કર્યું હતું. આ કામગીરી ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન જુનાગઢ ઇરિગેશન ડિવિઝનના કાર્યપાલક ઇજનેર પી.બી. કોઠીયા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમ.બી. મહેતા, વેરાવળ સિંચાઈ પેટા વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ.એચ. રવૈયા, જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રતિનિધિ વિપુલભાઈ કાવાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


