મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ સપ્તાહના સમાપન દિવસે રૂ.2885 કરોડના વિકાસકામોની ભેટ આપી

ગુજરાત 2035માં 75 વર્ષ પૂર્ણ કરવાનું છે ત્યારે આ વર્ષનું વિકાસ સપ્તાહ સમગ્ર રાજ્ય માટે દિશાસૂચક પ્લેટફોર્મ બન્યું છે, વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત અન્ય અભિયાનની જેમ જ લીડ લેવા સજ્જ છે એની પ્રતીતિ વિકાસ સપ્તાહની સફળતાથી થઈ છે:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ સપ્તાહના સમાપન  દિવસે  રૂ.2885 કરોડના વિકાસકામોની ભેટ આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તા.7થી 15 ઓક્ટોબર દરમિયાન ઉજવાયેલા વિકાસ સપ્તાહના પૂર્ણાહૂતિ અવસરે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી શહેરી વિકાસ, આરોગ્ય, શિક્ષણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી સહિત 12 વિભાગોના રૂ. 2,885 કરોડના 488 વિકાસ કામોની ભેટ રાજ્યના નાગરિકોને આપી હતી. આ વેળાએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 24 વર્ષના સફળ સુશાસનની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે 7થી 15 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરીએ છીએ. આ વર્ષના વિકાસ સપ્તાહ દરમિયાન રૂ. 5,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ રાજ્યના નાગરિકોની સેવામાં અર્પણ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યુ કે, 2001થી ગુજરાતના લોકોએ નરેન્દ્ર મોદીમાં મૂકેલો ભરોસો આજે 140 કરોડ દેશવાસીઓનો વિશ્વાસ બની ગયો છે. નરેન્દ્રભાઈએ 2001માં ભૂકંપની તારાજીમાંથી અનેક પડકારો વચ્ચે ગુજરાતને બેઠું કર્યુ અને તેમના વિઝન તથા માર્ગદર્શનથી ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ માટે આપેલા માર્ગદર્શન, યોગદાન અને અથાક પ્રયત્નો સૌને વિકાસની નવી દિશામાં સતત આગળ વધવાની પ્રેરણા વિકાસ સપ્તાહથી આપતા રહે છે તેમ તેમણે જણાવ્યું હતુ.

મુખ્યમંત્રીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન ડો. એ.પી.જે. અબ્દુલ કલામની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ થયેલી જ્યોતિગ્રામ યોજના ડો. કલામના હસ્તે રાષ્ટ્રને અર્પણ થઈ હતી, જેણે ગુજરાતના ગામડાઓમાં ઉજાસ પાથર્યો. જ્યોતિગ્રામ, મુખ્યમંત્રી અમૃતમ્, ઈ-ગ્રામ, ખેલ મહાકુંભ, કૃષિ મહોત્સવ જેવી યોજનાઓનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે, આ યોજનાઓ ગુજરાતથી શરૂ થઈને હવે દેશભરમાં અમલમાં મૂકાઈ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્ય સરકારે ગ્યાન શક્તિ એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા કિસાન અને નારી શક્તિના સશક્તીકરણને વધુ મજબૂત અને સશક્ત કરવાનું કામ કર્યુ છે. તેમણે ઉમેર્યુ કે, 658 ભરતી મેળાઓ દ્વારા 55,000થી વધુ યુવાઓને ખાનગી ક્ષેત્રમાં રોજગારની તકો પૂરી પાડવામાં આવી છે. ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં UPSC સિવિલ સર્વિસીસ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપવા 10 આઈ.એ.એસ. કોચિંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમ પણ તેમણે જણાવ્યુ હતુ. આ ઉપરાંત 5.30 લાખ ખેડૂત લાભાર્થીઓને રૂ. 600 કરોડથી વધુની સહાયનું વિતરણ રવિ કૃષિ મહોત્સવ વગેરેમાં કરવામાં આવી છે. તેમજ જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં રૂ.1535 કરોડથી વધુ કામોની ભેટ નાગરિકોને મળી છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.

મુખ્યમંત્રીએ કહ્યુ કે, ગુજરાત 2035માં 75 વર્ષ પૂર્ણ કરવાનું છે ત્યારે આ વર્ષનું વિકાસ સપ્તાહ સમગ્ર રાજ્ય માટે દિશાસૂચક પ્લેટફોર્મ બનશે. ‘એજન્ડા ફોર 2035’ વિકસિત ગુજરાત 2047ના વિઝનને સાકાર કરવા માટેનું ફ્રેમવર્ક પૂરું પાડશે. આગામી દાયકામાં ‘સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિક’ના ધ્યેયને સાકાર કરવા માટે આ એજન્ડા હોલ ઓફ હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચ સાથે મહત્વની ભૂમિકા ભજવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીએ આપેલા વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા સ્વદેશી ચીજવસ્તુઓને પ્રમોટ કરીને તથા વોકલ ફોર લોકલ, લોકલ ફોર ગ્લોબલનો મંત્ર અપનાવીને આત્મનિર્ભર ભારતનો ધ્યેય પાર પાડવા જણાવ્યુ હતું. તેમજ આગામી દિવાળી - નવા વર્ષના તહેવારોની ખરીદીમાં પણ સ્વદેશીને જ વેગ આપવા આહવાન કર્યુ હતુ.

આ સમારોહ દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યના શહેરી આવાસ યોજનાના લાભાર્થીઓને નવા આવાસની ચાવી અર્પણ કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ “ગુજરાત @ ૭૫”ના લોગોનું અનાવરણ તેમજ “ગુજરાત @ ૭૫ : એજન્ડા ફોર ૨૦૩૫ અ ડિકેડ ઓફ એક્સેલરેશન ટુવર્ડ્સ વિકસિત ગુજરાત @ ૨૦૪૭” પુસ્તકનું વિમોચન કર્યું હતું.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉપસ્થિત સૌને કાર્યક્રમમાં આવકારતાં જણાવ્યું હતું કે, ગુજરાત આજે પ્રગતિનો પર્યાય બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૦૧માં ગુજરાતથી શરૂ કરેલી ગુજરાતની વિકાસની યાત્રા આજે આંતરાષ્ટ્રીય સ્તરે પહોંચી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વમાં વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થશે, તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના ૧૩ વર્ષમાં ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતને રોલ મોડલ બનાવ્યું છે. ગુજરાતમાં અમલી બનાવેલા અભિયાનો, યોજનાઓ અને નવા પ્રકલ્પોને વડાપ્રધાન રાષ્ટ્રીયસ્તરે અમલી બનાવી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરી રહ્યાં છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં જનહિતલક્ષી સેવાઓ રાજ્યના જન જન સુધી પહોંચી રહી છે. વિકાસ સપ્તાહના સમાપન પ્રસંગે સૌ નાગરિકોને સ્વદેશીને સ્વભાવ બનાવી તેને સ્વાભિમાન બનાવવા અને તહેવારોમાં સ્વદેશી વસ્તુઓ ખરીદવા મંત્રીશ્રીએ સૌને અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર પ્રતિભાબેન જૈન, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશભાઈ ઠાકોર, મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ,  અધિક મુખ્ય સચિવ સુનૈના તોમર, એસ. જે. હૈદર, ડૉ. જયંતી રવિ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, વિવિધ પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.