લાવણી માટે શ્રદ્ધા કપૂરની ખાસ તૈયારી, દરેક પગમાં ૪ કિલોના ઘૂંઘરુ બાંધીને કરી પ્રેક્ટિસ
ફિલ્મ ‘ઈથા’માં લાવણી કલાકારની ભૂમિકા માટે શ્રદ્ધાએ કલાકારો સાથે વર્કશોપમાં ભાગ લીધો, શાકુંતલા જીએ ચહેરાના હાવભાવની બારીકીઓ શીખવી
મુંબઈ તા.24
અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાની આગામી ફિલ્મ ‘ઈથા’માં લાવણી કલાકારના પાત્રમાં જોવા મળશે. આ ભૂમિકાને પડદા પર વાસ્તવિક રીતે રજૂ કરવા માટે શ્રદ્ધાએ નૃત્યની તાલીમ સાથે લાવણીની પરંપરા, તેની અભિવ્યક્તિ અને લાગણીઓને સમજવા માટે પણ વિશેષ મહેનત કરી છે. ફિલ્મના ગીત ‘જી જી રે જી’ના લોન્ચ પ્રસંગે અભિનેત્રીએ પોતાની તૈયારી સાથે જોડાયેલા અનુભવો શેર કર્યા હતા.
શ્રદ્ધાએ જણાવ્યું હતું કે ફિલ્મ સાથે જોડાઈ ત્યારે તેને લાવણી વિશે વધુ જાણકારી નહોતી. આથી તેણે લાવણી અને તમાશા સાથે સંકળાયેલા કલાકારો સાથે સમય વિતાવ્યો હતો અને અનેક વર્કશોપમાં ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન વરિષ્ઠ કલાકાર શાકુંતલા જીએ તેને લાવણીમાં ચહેરાના હાવભાવનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમના માર્ગદર્શનને યાદ કરતાં શ્રદ્ધાએ કહ્યું હતું કે માત્ર પગમાં ઘૂંઘરુ બાંધીને નૃત્ય શીખવું પૂરતું નથી, પરંતુ ચહેરા પર કઈ લાગણી અને અભિવ્યક્તિ દર્શાવવી તે સમજવું પણ એટલું જ જરૂરી છે.
પાત્રની તૈયારી માટે શ્રદ્ધાએ દરેક પગમાં ચાર કિલોના ઘૂંઘરુ બાંધીને નૃત્યનો અભ્યાસ કર્યો હતો. આ તાલીમ અને શૂટિંગ દરમિયાન તેને ઈજાનો સામનો પણ કરવો પડ્યો હતો. જોકે, દિગ્દર્શક લક્ષ્મણ ઉટેકર અને નિર્માતા દિનેશ વિજનનો સહયોગ મળતાં તેણે પોતાનું કામ આગળ વધાર્યું હતું.
ફિલ્મના ‘જી જી રે જી’ ગીતને અજય-અતુલે સંગીતબદ્ધ કર્યું છે, જ્યારે શ્રેયા ઘોષાલે તેમાં પોતાનો સ્વર આપ્યો છે. ગીતની કોરિયોગ્રાફી વૈભવી મર્ચન્ટે કરી છે. લક્ષ્મણ ઉટેકરના દિગ્દર્શનમાં તૈયાર થયેલી ‘ઈથા’ ૪ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. હવે શ્રદ્ધા કપૂરનું લાવણી નૃત્ય અને આ પાત્રમાં તેનું રૂપાંતર જોવા માટે ચાહકોમાં ઉત્સુકતા છે.


