ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા ગિરનાર લીલી પરિક્રમામાં સહભાગી બન્યા : બોરદેવી માતાજીનાં ભાવપૂર્વક દર્શન કર્યા
રાજ્યમંત્રીએ પરિક્રમાના રૂટ પર ભાવિકો સાથે સંવાદ કરી પ્રતિભાવો મેળવ્યા : અન્નક્ષેત્રોની મુલાકાત લઈ સ્વયંસેવકોની સેવા ભાવનાને બિરદાવી : ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષા વ્યવસ્થા માટેના સીસીટીવી મોનિટરિંગ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું
જૂનાગઢ તા.ર૩
ઉર્જા રાજ્યમંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા પાવનકારી ગિરનાર લીલી પરિક્રમામાં સહભાગી બન્યા હતા. તેમણે બોરદેવી માતાજીનાં ભાવપૂર્વક દર્શન કર્યાં હતાં. આ દરમિયાન પરિક્રમા માર્ગ પર પરિક્રમાર્થીઓ સાથે સંવાદ સાધી તેમની પાસેથી પરિક્રમાના પ્રતિભાવો પણ મેળવ્યા હતા. ઉપરાંત, લાખો પરિક્રમાર્થીઓને ભોજન પ્રસાદ પીરસી રહેલા અન્નક્ષેત્રોની મુલાકાત લઈ સેવાભાવી સંચાલકો અને સ્વયંસેવકોની નિ:સ્વાર્થ સેવા ભાવનાને બિરદાવી હતી. આ મુલાકાત પૂર્વે રાજ્યમંત્રીએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા પાસેથી ગિરનાર લીલી પરિક્રમા સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ઊભા કરાયેલા કંટ્રોલ રૂમની મુલાકાત લઈ પરિક્રમા માર્ગ તેમજ ગિરનારની સીડી પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના મોનિટરિંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ બાઈક પર સવાર થઈ બોરદેવી જવા રવાના થયા હતા. રાજ્યમંત્રીએ પરિક્રમામાં જોડાયેલા ભાવિકોને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, પરિક્રમાર્થીઓની સુવિધા અને સલામતી માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને વિવિધ અન્નક્ષેત્રો દ્વારા લાખો ભાવિકોને ભાવપૂર્વક ભોજન પીરસવામાં આવી રહ્યું છે, જે સેવાનું અનેરૂ કાર્ય છે. અન્નક્ષેત્રોના સંચાલકો અને સ્વયંસેવકોની સેવા ભાવનાને બિરદાવતાં તેમણે આ પવિત્ર પરિક્રમામાં સહભાગી બનવું એક આગવો અનુભવ હોવાનું પણ જણાવ્યું હતું. આ દરમિયાન રાજ્યમંત્રીશ્રીએ અન્નક્ષેત્રમાં નીચે બેસીને ભોજન પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. ઉપરાંત પરિક્રમાર્થીઓની આરોગ્ય સુરક્ષા માટે ઊભા કરાયેલા હંગામી દવાખાનાની મુલાકાત લીધી હતી અને આરોગ્ય સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે ભાવિકો માટે પીવાના પાણી સહિત અન્ય વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, સંગઠનના અરૂણ બીડાજી સહિતના પદાધિકારી-અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.


