ગીરગઢડા તાલુકાના શાણાવાકિયા ગામની સીમમાં કેસર કેરીના બગીચામાં ખાખડી વીણતી આઠ વર્ષની દીકરીને માતાની નજર સામે ઉપાડી જઈ સિંહણે હુમલો કરી નાસવા લાગતા માતાએ છુટ્ટા પથ્થર મારી સિંહણના મુખમાંથી દીકરીને છોડાવી
ગંભીર ઇજાઓ થતા ઉના હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા) ઉના તા.૧૧
ગીર ગઢડા તાલુકાનું છેવાડાનું શાણા વાકિયા ગામ આવેલ છે. ગામની સીમમાં ભૂતડા દાદા ધજા વિસ્તારમાં આવેલ કેસર કેરીના બગીચામાં ગઈકાલે બપોરે મનીષાબેન રમેશભાઈ રામાણી અને તેમની દીકરી રિવા(ઉ.વ.૮) આંબા ઉપરથી ખરેલ ખાખડી માતા સાથે વીણતી હતી ત્યારે આ વિસ્તાર બાળ સિંહ સાથે સિંહણ વસવાટ કરે છે. જે સિંહણે માતાની નજર સામે બાળકી રિવાને પાછળથી દબોચી લઈ મોઢામાં લઈ નાસવા લાગતા માતા મનીષાબેન જોઈ જતા સિંહણ પાછળ દોટ મૂકી દીકરીને બચાવવા છુટ્ટા પથ્થરના ઘા મારી રાડારાડી કરતા સિંહણ રિવાને મૂકી નાસી ગઈ હતી. રિવા લોહી લુહાણ થઈ ગઈ હોય તુરંત તેમના પરિવાર ઊનાની સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવેલ રિવાને છાતીના ભાગે, પીઠના ભાગે અને શરીરમાં ઉઝરડા પડી ગયા છે. હાલ દીકરીની સ્થિતિ ગંભીર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. વન વિભાગને જાણ થતા તે પણ હોસ્પિટલે આવી ગયા છે. હાલ કેરીની સિઝન શરૂ થઈ છે અને આ વિસ્તારમાં સિંહણ અને તેનું ગ્રુપ આંટાફેરા કરી રહેલ હોય લોકોને કેરીના બગીચામાં કામ કરતા ભય અનુભવે છે તો તુરંત વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સિંહણ અને તેમના બાળને જંગલ તરફ લઈ જાય લોકોને ભય મુકત કરે તેવું લોક માંગણી ઉઠી છે. આમ માતાએ સિંહણના મુખમાંથી દીકરીનો જીવ બચાવ્યો હતો.


