ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ઓછા ખર્ચે વધુ ગુણવત્તા યુક્ત ઉત્પાદન મેળવી રહ્યા છે
ઝેરમુક્ત ઉત્પાદન, સ્વસ્થ જમીન, શુદ્ધ પર્યાવરણ પ્રાકૃતિક કૃષિને સફળ બનાવે છે, ગાયના છાણ અને ગૌમૂત્રથી તૈયાર થતા જીવામૃત અને ઘનજીવામૃત જમીનમાં લાભદાયી જીવાણુઓની સંખ્યા વધારે છે અને જમીનને જીવંત બનાવે
જૂનાગઢ તા.23
ભારત ખેતીપ્રધાન દેશ છે અને દેશના વિકાસમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. ગુજરાત રાજ્યએ પણ કૃષિ ક્ષેત્રે અનેક નવીન પહેલો દ્વારા દેશભરમાં આગવી ઓળખ ઉભી કરી છે. ખેડૂતોની આવકમાં વધારો, જમીનની ફળદ્રુપતા જાળવવી, પર્યાવરણનું સંરક્ષણ કરવું અને લોકોને ઝેરમુક્ત ખોરાક ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
ગિરનારની પવિત્ર તળેટી, ગીરના જંગલોની કુદરતી સંપદા, સમૃદ્ધ કૃષિ પરંપરા અને મહેનતુ ખેડૂતોના કારણે જૂનાગઢ જિલ્લો રાજ્યના મહત્વના કૃષિ જિલ્લાઓમાં સ્થાન ધરાવે છે. જિલ્લાના ખેડૂતો મગફળી, કપાસ, તલ, ઘઉં, ચણા, જીરું, ડુંગળી, શાકભાજી, કેરી સહિતના વિવિધ પાકોનું ઉત્પાદન કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે વધતી જાગૃતિને કારણે ખેતીની નવી દિશા વિકસી રહી છે.
પ્રાકૃતિક કૃષિ એવી પદ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કર્યા વગર સ્થાનિક સંસાધનો અને ગાય આધારિત પદ્ધતિઓ દ્વારા ખેતી કરવામાં આવે છે. આજે રસાયણોના વધુ પડતા ઉપયોગને કારણે જમીનનું સ્વાસ્થ્ય નબળું પડતું જાય છે. સૂક્ષ્મજીવોની સંખ્યા ઘટે છે, કાર્બનિક તત્ત્વો ઓછા થાય છે અને પાણી ધારણ કરવાની ક્ષમતા ઘટે છે. પ્રાકૃતિક કૃષિ આ તમામ સમસ્યાઓનો અસરકારક ઉપાય છે. ગાયના છાણ અને ગૌમૂત્રથી તૈયાર થતા જીવામૃત અને ઘનજીવામૃત જમીનમાં લાભદાયી જીવાણુઓની સંખ્યા વધારે છે અને જમીનને જીવંત બનાવે છે.
પ્રાકૃતિક કૃષિમાં બીજામૃતનો ઉપયોગ બીજની માવજત માટે કરવામાં આવે છે. દેશી ગાયના ગૌમૂત્ર, છાણ, ચૂનો અને અન્ય કુદરતી ઘટકોમાંથી તૈયાર કરવામાં આવતું બીજામૃત બીજને ફૂગજન્ય અને જીવાણુજન્ય રોગોથી પ્રાથમિક સુરક્ષા આપે છે. બીજની અંકુરણ ક્ષમતા સુધરે છે, છોડનો પ્રારંભિક વિકાસ સારો થાય છે અને પાક વધુ મજબૂત બને છે.
તે જ રીતે જીવામૃતને પ્રાકૃતિક કૃષિનું હૃદય માનવામાં આવે છે. ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ, અને સ્થાનિક માટીમાંથી તૈયાર થતું જીવામૃત જમીનમાં રહેલા કરોડો લાભદાયી સૂક્ષ્મજીવોને સક્રિય બનાવે છે. આ સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા પોષક તત્ત્વોને છોડ માટે ઉપલબ્ધ બનાવે છે. પરિણામે જમીનની જૈવિક પ્રવૃત્તિ વધે છે, મૂળનો વિકાસ સારો થાય છે અને છોડની વૃદ્ધિ વધુ સ્વસ્થ બને છે.
ઘનજીવામૃત પણ જમીનની ફળદ્રુપતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખાસ કરીને વરસાદી મોસમ પહેલાં અથવા બાગાયતી પાકોમાં તેનો ઉપયોગ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તે જમીનમાં કાર્બનિક તત્ત્વોનું પ્રમાણ વધારી જમીનને લાંબા સમય સુધી જીવંત અને ઉપજાઉ રાખે છે.
આજકાલ જૂનાગઢ જિલ્લામાં વરસાદની અનિશ્ચિતતા ખેડૂતો માટે પડકારરૂપ છે. પ્રાકૃતિક કૃષિમાં આચ્છાદન (મલ્ચિંગ) એક મહત્વપૂર્ણ તકનીક છે. પાકના અવશેષો, સૂકા પાંદડા, ઘાસ અથવા અન્ય કાર્બનિક પદાર્થો દ્વારા જમીનને ઢાંકવાથી જમીનમાં ભેજ લાંબા સમય સુધી જળવાઈ રહે છે. સાથે જ નીંદણનું પ્રમાણ ઘટે છે, જમીનનું તાપમાન સંતુલિત રહે છે અને વરસાદી પાણીનું સંરક્ષણ થાય છે. આ પદ્ધતિ ખેડૂતો માટે અત્યંત ઉપયોગી બની રહી છે.
પ્રાકૃતિક કૃષિનો એક મહત્વપૂર્ણ સિદ્ધાંત વાફસા છે. જમીનમાં પાણી અને હવાના સંતુલિત પ્રમાણને જાળવી રાખવાથી છોડના મૂળ વધુ સક્રિય બને છે. ઘણી વખત ખેડૂતો જરૂર કરતાં વધુ સિંચાઈ કરે છે, જેના કારણે જમીનમાં હવાનું પ્રમાણ ઘટે છે અને મૂળના વિકાસ પર પ્રતિકૂળ અસર પડે છે. વાફસાના સિદ્ધાંત મુજબ જરૂરી તેટલું જ પાણી આપવાથી પાણીની બચત થાય છે અને પાકનું આરોગ્ય પણ જળવાઈ રહે છે. પરિણામે ઉત્પાદન ખર્ચ ઘટે છે, જમીનની ફળદ્રુપતા વધે છે અને ખેડૂતોને ગુણવત્તાસભર ઉત્પાદન પ્રાપ્ત થાય છે.
પ્રાકૃતિક કૃષિનો સૌથી મોટો લાભ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીમાં થતા ખર્ચમાં ઘટાડો થતાં ખેડૂતોની બચત વધે છે. સ્થાનિક સ્તરે ઉપલબ્ધ ગાય આધારિત સામગ્રીનો ઉપયોગ થતો હોવાથી ખેડૂત આત્મનિર્ભર બને છે અને ખેતી વધુ નફાકારક બને છે.
આજે ગ્રાહકો ઝેરમુક્ત અનાજ, શાકભાજી અને ફળોની માંગ કરી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત કૃષિ પેદાશોમાં રાસાયણિક અવશેષો ન હોવાને કારણે ગ્રાહકોમાં વિશ્વાસ વધે છે. આથી ખેડૂતોને બજારમાં યોગ્ય ભાવ મળવાની શક્યતાઓ પણ વધે છે. આ બદલાતી માંગને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે કૃષિ વિભાગ અને આત્મા પ્રોજેક્ટ થકી તાલીમ, માર્ગદર્શન, પ્રદર્શન પ્લોટ અને વિવિધ જાગૃતિ કાર્યક્રમો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના અનેક પ્રગતિશીલ ખેડૂતો પોતાના ખેતરોમાં પ્રાકૃતિક કૃષિના સફળ પ્રયોગો કરી રહ્યા છે. મગફળી, કપાસ, ચણા, તલ, બાજરી, શાકભાજી અને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવીને તેઓ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. ખેડૂતોના અનુભવ દર્શાવે છે કે શરૂઆતમાં થોડો સમય લાગે છે, પરંતુ લાંબા ગાળે જમીનની ગુણવત્તા સુધરે છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ખેતી વધુ સ્થાયી બને છે.
પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતી પૂરતી મર્યાદિત નથી. તે પર્યાવરણ સંરક્ષણ, પાણી બચત, જૈવવિવિધતાનું જતન અને પશુપાલનને પ્રોત્સાહન સાથે પણ સીધી રીતે જોડાયેલી છે. ઝેરમુક્ત ઉત્પાદન, ઓછો ઉત્પાદન ખર્ચ, સ્વસ્થ જમીન, શુદ્ધ પર્યાવરણ અને આત્મનિર્ભર ખેડૂત—આ પાંચ આધારસ્તંભો પ્રાકૃતિક કૃષિને સફળ બનાવે છે. આવનારા સમયમાં વધુને વધુ ખેડૂતો આ પદ્ધતિ અપનાવે, જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, પર્યાવરણ સુરક્ષિત બને અને સમાજને ગુણવત્તાયુક્ત ઝેરમુક્ત ખોરાક મળી રહે તે આવનાર સમયની જરૂર છે.


