ગાંધી સ્મૃતિ તરફ વિપક્ષની કૂચ, વિદ્યાર્થીઓના સમર્થનમાં રાહુલ-પ્રિયંકા રસ્તા પર

NEET પેપર લીક મુદ્દે ફરી રાજકીય ગરમાવો, વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ સાથે INDIA ગઠબંધનનું પ્રદર્શન

ગાંધી સ્મૃતિ તરફ વિપક્ષની કૂચ, વિદ્યાર્થીઓના સમર્થનમાં રાહુલ-પ્રિયંકા રસ્તા પર

નવી દિલ્હી તા.23
NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલા પેપર લીક મુદ્દે દેશભરમાં ઉઠેલા વિરોધ વચ્ચે કોંગ્રેસ અને INDIA ગઠબંધનના નેતાઓએ ફરી એકવાર વિદ્યાર્થીઓના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. ગુરુવારે સાંજે રાહુલ ગાંધીના નિવાસસ્થાને બેઠક બાદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત અનેક વિપક્ષી સાંસદો ગાંધી સ્મૃતિ તરફ રવાના થયા.
પ્રદર્શન દરમિયાન પોલીસે માર્ગ પર બેરિકેડ્સ અને બસો ગોઠવી તેમની કૂચ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. થોડા સમય બાદ માર્ગ ફરી ખુલ્લો મુકવામાં આવ્યો. આ દરમિયાન પ્રિયંકા ગાંધી સુરક્ષા અધિકારીઓ સાથે વાતચીત કરતી જોવા મળી હતી, જ્યારે રાહુલ ગાંધી બસની અંદરથી વિદ્યાર્થીઓને સંદેશ આપતા કહ્યું કે, "અમે તમારી સાથે છીએ અને ન્યાય માટેની લડતમાં તમારો સાથ છોડવાના નથી."
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ગાંધી સ્મૃતિની મુલાકાતનો હેતુ પેપર લીક બાદ જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવાનો અને હાલ ન્યાય માટે સંઘર્ષ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે એકતા વ્યક્ત કરવાનો છે. તેમણે દાવો કર્યો કે દેશના વિદ્યાર્થીઓ એકલા નથી અને સમગ્ર વિપક્ષ તેમની માંગણીઓની સાથે ઉભો છે.
વિપક્ષના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રાહુલ ગાંધીના નિવાસસ્થાન સહિત આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી હતી. રેપિડ એક્શન ફોર્સના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
આ મુદ્દે રાજકીય નિવેદનો પણ તેજ બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીકના કેસોમાં ઝડપી ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત કર્યા બાદ રાહુલ ગાંધીએ તેના પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે દેશની શિક્ષણ પ્રણાલીને નુકસાન પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે અને માત્ર જાહેરાતોથી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે.
રાહુલ ગાંધીએ તાજેતરની પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે પેપર લીકની ઘટનાઓથી દેશના અંદાજે 7.5 કરોડ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પ્રભાવિત થયા છે. સાથે જ તેમણે દોષિતો સામે કડક કાર્યવાહી અને પારદર્શક ભરતી તથા પરીક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ પણ કરી.