શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુર સ્પષ્ટતા : કોપીરાઇટ માત્ર ‘કિંગ ઑફ સાળંગપુર’ની મૂર્તિની સુરક્ષા માટે છે, હનુમાનજી તો સૌના છે.

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુર સ્પષ્ટતા : કોપીરાઇટ માત્ર ‘કિંગ ઑફ સાળંગપુર’ની મૂર્તિની સુરક્ષા માટે છે, હનુમાનજી તો સૌના છે.

સાળંગપુર તા.15
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં એવી ખોટી અફવા ચાલી રહી છે કે, સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે હનુમાનજીના કોપીરાઇટ્સ (Copyrights) કરાવી લીધા છે અને હવે કોઈ ભક્ત સંસ્થાની મંજૂરી વગર નવું મંદિર કે હનુમાનજીનું નામ રાખી શકશે નહીં. મંદિર આ બાબતને તદ્દન ખોટી અને ગેરસમજ ગણાવે છે.
વાસ્તવિકતા અને કાયદાકીય પગલાંનું કારણ:-
સાળંગપુરધામ ખાતે “કિંગ ઑફ સાળંગપુર” (54 ફૂટ ઊંચી પ્રતિમા)ની સ્થાપના થયા પછી, કેટલાક લેભાગુ તત્ત્વો અને ધંધાદારીઓએ ભક્તોને છેતરવાનું મોટું નેટવર્ક શરૂ કર્યું છે.
નકલી પ્રસાદી અને સાહિત્ય:
સાળંગપુરધામના નામે નકલી મૂર્તિઓ, સુવર્ણ વાઘા, ફોટા, માળા અને દોરા-તિલકનું ગેરકાયદે વેચાણ શરૂ કરાયુ છે
ઓનલાઇન છેતરપિંડી:
સાળંગપુરધામની નકલી વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પેજ બનાવી, ભોળા ભક્તો પાસેથી નકલી રૂમ-બુકિંગ, દાન અને સેવાના નામે કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા.
ચીનથી નકલી મૂર્તિઓ:-
આસ્થા સાથે ખીલવાડ કરીને છેક ચીનથી નકલી મૂર્તિઓ બનાવવાના ઓર્ડર અપાયા, જેમાં પવિત્રતાનો કોઈ અંશ નહોતો.
નકલી ટ્રેડમાર્ક:-
એક વ્યક્તિએ તો સાળંગપુરધામના નામે જ 'વર્લ્ડ ટ્રેડમાર્ક' મેળવવા કાનૂની અરજી કરી દીધી હતી.
શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર વતી સનાતન સ્પષ્ટતા:-
આવી મોટી છેતરપિંડી અને આર્થિક લૂંટથી ભોળા ભક્તોને બચાવવા માટે જ કાનૂની નિષ્ણાતોની સલાહથી માત્ર સાળંગપુરધામ સ્થિત “કિંગ ઑફ સાળંગપુર”ની વિશિષ્ટ મૂર્તિ, તેના સુવર્ણ વાઘા અને સંસ્થાના લોગો (Logo)ના જ કોપીરાઇટ અને ટ્રેડમાર્ક લેવામાં આવ્યા છે, અંજનીપુત્ર હનુમાનજીના નહીં!
ભગવાન હનુમાનજીના નામ-જાપ, પૂજા-અર્ચન, ભક્તિ કે નવું મંદિર સ્થાપવા સામે સંસ્થાને કોઈ જ વાંધો કે વિરોધ નથી. સમસ્ત ભગવાનના કોપીરાઇટ્સ ક્યારેય કોઈને મળી જ ના શકે.
હનુમાનજી સદાય સૌના હતા, છે અને રહેશે. એમના પર કોઈનો એકાધિકાર હોઈ શકે નહીં. જેમને પણ આ બાબતે શંકા હોઈ , તેઓને હવે સાચી હકીકત સમજાઈ ગઈ હશે. સર્વે સંતો-મહંતો, બ્રહ્મસમાજ અને કોટિ-કોટિ ભક્તો આ સત્યને  સ્વીકારી ગેરસમજોને દરગુજર કરે તેવી નમ્ર પ્રાર્થના અને કરોડો ભક્તોની આસ્થા રૂપ ધર્મસ્થાનને કેન્દ્રમાં રાખીને કોઈ પણ પ્રકારનું રાજકારણ ન થાય, એ આપણા સનાતનની એકતા માટે જરૂરી છે.