જૂનાગઢમાં ‘નવરાત્રી મહોત્સવ’ની તડામાર તૈયારી : ભારે ઉત્સાહ
શહેરમાં રપ૦થી વધુ ગરબીઓ, પાર્ટી પ્લોટમાં પણ વિવિધ જ્ઞાતિ, સમાજ દ્વારા રાસોત્સવનાં કાર્યક્રમોનું ભવ્ય આયોજન
જૂનાગઢ તા. ૧૮

આદ્યશકિત માં જગદંબાનાં પર્વ એવા નવરાત્રી પર્વનાં આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહયા છે ત્યારે જૂનાગઢ શહેરમાં નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત વિવિધ જ્ઞાતિ, સમાજાે દ્વારા રાસોત્સવનાં ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે અને પાર્ટી પ્લોટોમાં આગવા આયોજનો થઈ રહયા છે અને સર્વત્ર ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે. શકિતની આરાધનાનાં પર્વ એવા નવરાત્રી મહોત્સવની દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉજવણી માટેની તૈયારી થઈ રહી છે. જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત અને દેશભરમાં નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવનાર છે.
જૂનાગઢ શહેરની વાત કરીએ તો ઐતિહાસીક, ધાર્મિક અને સંસ્કારી નગરી તરીકેની ઓળખ ધરાવતાં જૂનાગઢ શહેરમાં પરંપરાગત રીતે દર વર્ષે યોજાતી પ્રાચીન ગરબીઓ અને સાથે જ અર્વાચીન દાંડીયા રાસનાં કાર્યક્રમો પણ દર વર્ષે યોજાઈ રહયા છે. માં ના નવલા નોરતાં એટલે કે ‘નવરાત્રી’ સુધી આ મહોત્સવ યોજાઈ છે. આ વર્ષે ૧ નોરતું વધતા દશ દિવસ સુધી આ વર્ષે નવરાત્રી મહોત્સવ ઉજવાશે. જૂનાગઢ શહેરમાં અંદાજીત રપ૦થી વધારે ગરબીઓ શેરી, સોસાયટી અને વિસ્તારોમાં થાય છે. જૂનાગઢ સહીત જીલ્લાભરમાં પણ ગરબીઓ થાય છે. નવરાત્રીનાં આગમનને હવે માત્ર ૪ દિવસ જ જેટલો સમય બાકી રહયો છે ત્યારે વિવિધ ગરબી મંડળનાં સંચાલકો, યુવક મંડળો દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે તડામાર તૈયારીઓ કરી રહયા છે. શ્રાધ્ધ પક્ષ હાલ ચાલતો હોય અને શ્રાધ્ધ પક્ષ પુર્ણ થતાં આગામી તા. રર સપ્ટેમ્બર સોમવારનાં રોજ નવરાત્રીનો શુભારંભ થશે. જાે કે નવરાત્રી મહોત્સવની ઉજવણી માટેની તૈયારીનાં ભાગરૂપે બાળાઓનાં રાસ-ગરબાની વિવિધ ગરબી મંડળો દ્વારા હાલ પ્રેકટીશ કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં યોજવામાં આવતી ગરબીઓ અંગે સંચાલકો દ્વારા તૈયારીઓ ચાલે છે.
આ ઉપરાંત વિવિધ જ્ઞાતિ, સમાજાે દ્વારા ‘રાસોત્સવ’નાં ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. જૂનાગઢ શહેરનાં ઝાંઝરડા બાયપાસ ઉપર આવેલા અડધા ડઝનથી પણ વધુ સ્થળોએ ભવ્ય રાસોત્સવનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. નવરાત્રી મહોત્સવને લઈને બજારોમાં પણ ખરીદી શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ શહેરની વિવિધ બજારોમાં અત્યારથી જ ચણીયા ચોળી, દુપટ્ટા, ઓઢણી, કાઠીયાવાડી જવેલરીની ખરીદી શરૂ થઈ ગઈ છે. અને ગ્રાહકોની ભીડ દેખાઈ રહી છે. ઓનલાઈન ખરીદી પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મોટા ગરબા ગ્રાઉન્ડ, સ્ટેજ લાઈટીંગ, સાઉન્ડ સીસ્ટમ વગેરે માટે ઓર્ડર બુક થઈ ગયા છે. જાણીતા લોક ગાયક, ડીજે, ઓરકેસ્ટ્રા ગૃપની પણ માંગ જાેવા મળી રહી છે. મ્યુઝીક ઈન્સ્ટ્રુમેન્ટ રેન્ટલ, બિઝનેશ જેમાં ઢોલ, તાશા કિબોર્ડ સાઉન્ડ સીસ્ટમની પણ માંગ વધી છે. આ સાથે જ વસ્ત્રો, જવેલરી, મ્યુઝીક ઈવેન્ટ મેનેજમેન્ટની માંગને કારણે તેજીનો સંચાર થયો છે. જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં નવરાત્રી મહોત્સવની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.


