જૂનાગઢમાં ગિરનાર બચાવો અભિયાન : તા.ર૩ એપ્રિલે મહારેલીનું આયોજન

તમામ સનાતનીઓને અભિયાનમાં જાેડાવવા આહવાન : આરપારની લડાઈનાં મંડાણ

જૂનાગઢમાં ગિરનાર બચાવો અભિયાન : તા.ર૩ એપ્રિલે મહારેલીનું આયોજન

જૂનાગઢ તા.૧પ
જૂનાગઢ નજીક આવેલા સુપ્રસિધ્ધ અને પવિત્ર ગરવા ગિરનાર ક્ષેત્રની ધાર્મિક અસ્મીતા અને સનાતની પરંપરા ઉપર છેલ્લા કેટલાક સમયથી તોળાઈ રહેલા કથીત જાેખમને પગલે સંતો તેમજ હિન્દુ સંગઠનોમાં તિવ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ગિરનાર પર્વત પરના પ્રાચીન ધાર્મિક સ્થાનો અને સાર્વજનીક મિલ્કતો પર એન-કેન પ્રકારે થઈ રહેલા અતિક્રમણ તેમજ સરકારી દસ્તાવેજાેમાં પણ ચેડા કરી અને ગેરરીતીઓ કરવામાં આવતી હોય અને ધાર્મિક સ્થાનો કબ્જે કરવાના કથિત કાવતરા સામે હવે જૂનાગઢમાં આરપારની લડાઈના મંડાણ થયા છે.
આગામી તા.ર૩ એપ્રિલના રોજ ગિરનાર બચાવો સમિતિ દ્વારા સાંજના ૪.૩૦ કલાકે હવેલી વાડીના પટાંગણમાં સરદારબાગ ઝાંસીની રાણીની પ્રતિમા પાસેથી સનાતની જાગૃતિના મહાયજ્ઞના ભાગરૂપે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને ત્યારબાદ આ જનજાગૃતિ રેલી કલેકટર કચેરી પહોંચશે અને કલેકટરને આવેદન પાઠવવામાં આવશે. તા.ર૩ એપ્રિલના રોજ ગિરનાર બચાવો સમિતિ દ્વારા આયોજીત આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે તેમજ સનાતનીઓને ખાસ હાજરી આપવાનું આહવાન કરવામાં આવેલ છે. ગિરનાર પર્વત પર આવેલ શૈષાવન નજીક આવેલ જગ્યાના મામલે વિવાદ ઉઠવા પામેલ છે. અને જે અંગેની વધુ વિગત જાેઈએ તો જૂનાગઢમાં ગિરનાર બચાવો અભિયાન શરૂ થયું છે. તેનું મુળ કારણ ગિરનારની પાછળની સીડી પર શેષાવન નજીક જગ્યા મામલે વિવાદ વકર્યો છે.

૧૯૭૯ માં કલેકટર દ્વારા આ જગ્યા શ્વેતાંબર તપગચ્છ મૂર્તિપૂજક જૈન સંઘને ફાળવી હતી. ર૦૦૮માં અભ્યારણ્ય જાહેર થયા બાદ સેટલમેન્ટ કમીશન સમક્ષ હક્ક દાવો રજુ કર્યો ન હતો. અભયારણ્યની જમીન બની ગઈ હતી. છતા સરકારમાંથી આ જમીન ફાળવવા આદેશ કરવામાં આવ્યો હતો.
આ બાબત સામે આવતા સાધુ-સંતો અને કેટલાક સંગઠનોએ સવાલ ઉઠાવ્યા છે. આ મુદ્દે બે દિવસ પહેલા ભૂતનાથ મંદિરે ગિરનાર બચાવ સમિતિની બેઠક મળી જેમાં, મહેશગીરી બાપુ, સુખરામદાસ બાપુ, ભગવતીદાસ બાપુ સહિતના સાધુ-સંતો આગેવાનો હાજર રહ્યા હતા અને ગિરનારને બચાવવા સૌએ એકમત થઈને આ મુદ્દે આગામી તા.ર૩મી એપ્રિલે મહારેલીનું એલાન કર્યું છે, ર૩ એપ્રિલ ગુરૂવારે સાંજે ૪.૩૦ કલાકે હવેલી વાળી જગ્યામાં સમસ્ત સનાતન સાધુ-સંતોના નેજા હેઠળ મહારેલીમાં જાેડાવા આહવાન પણ કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય હેતુ ગિરનાર બચાવો, સનાતન બચાવો, પર્યાવરણ બચાવોના નારા સાથે સૌ સનાતની લોકો એકત્ર થશે.

હિન્દુ સમાજને જૈન સમાજ વિરૂધ્ધ ઉશ્કેરવામાં આવી રહ્યો છે : જૈન અગ્રણીએ રેન્જ આઈજીને અરજી કરી
જૂનાગઢ તા.૧પ
ગરવા ગિરનારને બચાવવા માટેનું એક અભિયાન જૂનાગઢમાં ચાલી રહ્યું છે અને જે અંગે તા.ર૩ એપ્રિલે મહારેલી યોજવામાં આવનાર છે. આ રેલી યોજાય તે પહેલા જ જૈન સમાજના એક અગ્રણીએ રેન્જ આઈજીને એક લેખિત અરજી કરી છે અને તેમાં વિસ્તૃત રજુઆત પણ કરવામાં આવી છે. ગઈકાલે જૈન સમાજના એક અગ્રણી દ્વારા પણ આ મહારેલીને સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવાનું કૃત્ય ગણાવી રેન્જ આઈજીને લેખિતમાં અરજી કરી છે. જેમાં કહ્યું છે કે, જૈન સમાજ હંમેશા નીતિ નિયમોને માન આપી કાયદાની મર્યાદામાં કામ કરે છે. આ બાબતને મુદ્દો બનાવી જૈન સમાજ સામે કેટલાક તત્વો સક્રિય બની તથ્યોનું ભ્રામક પ્રસ્તુતિકરણ કરીને હિન્દુ સમાજને જૈન સમાજ વિરૂધ્ધ ઉશ્કેરવાના પ્રયત્નો કરે છે. જેથી સંજ્ઞેય ગુનાઓ કરવા માટેની કથિત ષડયંત્રમાં સંકળાયેલા વ્યક્તિઓ વિરૂધ્ધ તાત્કાલિક પ્રતિબંધાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે રેન્જ આઈજીને લેખિતમાં અરજી કરી માંગ કરવામાં આવી છે. આમ આગામી તા.ર૩મીએ ગિરનાર બચાવો અભિયાન મુદ્દે યોજાનાર મહારેલી પૂર્વે હિન્દુ સનાતની અને જૈન સમાજ વચચે ગજગ્રાહ વધતો હોવાનું દેખાઈ રહ્યું છે, તેને શાંત પાડવામાં નહીં આવે તો, આગામી સમયમાં આ મુદ્દો વધુ ઉગ્ર બને તો નવાઈ નહીં હોય.