માળીયા હાટીના તાલુકાનાં અકાળા ગામે દિપડો પાંજરે પુરાયો

માળીયા હાટીના તાલુકાનાં અકાળા ગામે દિપડો પાંજરે પુરાયો

જૂનાગઢ તા. ૧૯
જૂનાગઢ જીલ્લાનાં માળીયા હાટીના તાલુકાનાં અકાળા ગામેથી દિપડાને પાંજરે પુરવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં દીપડા અને સિંહ જેવા હિંસક પ્રાણીઓ વારંવાર વસાહત તેમજ વાડી વિસ્તારમાં આવી ચડવાના બનાવો સામાન્ય બન્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના અકાળા ગામેથી એક દીપડાને આબાદ રીતે પાંજરે પૂરવામાં આવતા સ્થાનિક લોકો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
અકાળા ગામના ખેડૂતોના વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ ધામા નાખ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં ભારે ભય ફેલાયો હતો. દીપડો ઘણી વખત ખેડૂતોની વાડીએ જતા રસ્તાઓમાં પણ બેસી જતો હોવાથી લોકોને પોતાની વાડી વિસ્તારમાં જવા માટે પણ ડરના માહોલમાં જીવવું પડતું હતું. દરમ્યાન વન વિભાગને જાણ કરવામાં આવતાં તાત્કાલીક અસરથી દિપડાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને આખરે આ દિપડો પાંજરે પુરાતા લોકોએ રાહત અનુભવી હતી.