ટ્રમ્પ ઢીલા પડયા : વડાપ્રધાન મોદીના વખાણ કર્યા
ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે તેથી ટેરિફ લગાડવાની ફરજ પડી - ટ્રમ્પ
(એજન્સી) લંડન તા.૧૯
ભારત અને અમેરિકા વચ્ચે ફરીથી ટ્રેડ ડીલ પર વાતચીતની શક્યતાની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે તેઓ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ જ નજીક છે છતાંય તેમને ભારત પર પ્રતિબંધ લગાવવો પડ્યો છે.
ટ્રમ્પે આ નિવેદન લંડનમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે જોઇન્ટ પ્રેસ-કોન્ફરન્સમાં આપ્યું. તેમને પૂછવામાં આવ્યું કે શું રશિયા પાસેથી તેલ ખરીદનાર દેશો પર પ્રતિબંધ લગાવીને વ્લાદિમીર પુતિન પર દબાણ વધારવાનો સમય આવી ગયો છે.
આ અંગે ટ્રમ્પે કહ્યું, હું ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ જ નજીક છું. મેં તેમની સાથે થોડા દિવસ પહેલાં વાત કરી, તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી. તેમણે પણ સુંદર જવાબ આપ્યો. અમારી વચ્ચે ખૂબ જ સારા સંબંધ છે, પરંતુ મેં તેમના પર પ્રતિબંધ લગાવી દીધો.
તેમણે આગળ કહ્યું, રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે મારે યુરોપીયન દેશો અને ચીન પર પણ પ્રતિબંધ લગાવવો પડ્યો છે. ચીન આ સમયે અમેરિકા પર ખૂબ જ મોટો ટેરિફ લગાવી રહ્યું છે. હું અન્ય બાબતો કરવા તૈયાર છું, પરંતુ ત્યારે નહીં જ્યારે હું જે લોકો માટે લડી રહ્યો છું તેઓ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા હોય.


