પેટ્રોલ-ડીઝલના ભાવ અને સોના પરની ડયૂટી વધી શકે

પેટ્રોલ-ડીઝલના ભાવ અને સોના પરની ડયૂટી વધી શકે

નવી દિલ્હી તા.11
અમેરિકા-ઈરાન તણાવ અને પશ્ચિમ એશિયામાં વધતી અનિતિતા વૈશ્વિક અર્થતંત્ર પર અસર કરી રહી છે. ભારત જેવા દેશો માટે આ પરિસ્થિતિ વધુ પડકારજનક બની શકે છે, જે તેમની જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત કરે છે. હૈદરાબાદમાં એક ભાષણમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને બળતણનો વપરાશ ઘટાડવા, રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરવા, એક વર્ષ માટે સોનું ખરીદવાનું ટાળવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા વિનંતી કરી. રાજકીય અને આર્થિક નિષ્ણાતો માને છે કે આ અપીલ ભવિષ્યમાં સંભવિત આર્થિક દબાણનો સંકેત હોઈ શકે છે. જોકે, સરકાર દ્વારા હજુ સુધી કોઈ નવા ર્નિણયોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધઘટ ભારતની સરકારી માલિકીની તેલ કંપનીઓ પર ભારે દબાણ લાવી રહી છે. ઇન્ડિયન ઓઇલ, બીપીસીએલ અને એચપીસીએલ જેવી સરકારી માલિકીની કંપનીઓ હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખી રહી છે, પરંતુ તેમને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. અહેવાલો દર્શાવે છે કે આ કંપનીઓ દર મહિને રૂા.30,000 કરોડ સુધીનું નુકસાન સહન કરી રહી છે. જેનો અર્થ એ છે કે તેઓ વાસ્તવિક ખર્ચ કરતાં ઓછી કિમતે બળતણ વેચી રહી છે.