દેશની કુલ આયાતનો 10 ટકા હિસ્સો માત્ર સોનુ ખરીદવા પાછળ ખર્ચાય છે : વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ
નવી દિલ્હી તા.11
ભારતે વર્ષ 2025-26 માં 72 અબજ ડોલરના 721 ટન સોનાની આયાત કરી હતી, જે દેશની કુલ વસ્તુઓની આયાતના લગભગ 10 ટકા છે. આ બાબત વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ વધારી રહી છે.
જો વડાપ્રધાન મોદીની સોનું ઓછું ખરીદવાની અપીલની અસર થશે, તો જ્વેલરીની માંગ ધીમી પડી શકે છે. લગ્ન અને તહેવારોની ખરીદી સંપૂર્ણપણે બંધ નહીં થાય, પરંતુ લોકોનો ઝુકાવ હળવા વજનની જ્વેલરી અથવા ડિજિટલ ગોલ્ડ તરફ વધી શકે છે. જો માંગ નબળી પડશે, તો જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે સંકટ વધી શકે છે.
દેશનું કુલ ફોરેક્સ રિઝર્વ 690 અબજ ડોલર છે. માત્ર સોનાની આયાતને કારણે જ આ વિદેશી મુદ્રા ભંડાર પર 10.4 ટકા જેટલું દબાણ આવી રહ્યું છે. વધુમાં, માર્ચ મહિનામાં 306 કરોડ ડોલરનું સોનું આયાત કરવામાં આવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ચાંદીની આયાતમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે 417 ટકા વધીને 62 કરોડ ડોલર સુધી પહોંચી ગઈ છે.


