અમેરીકાએ યુધ્ધ સમાપ્ત કરવા માટે ઈરાન સામે પાંચ કડક શરતો મુકી

અમેરીકાએ યુધ્ધ સમાપ્ત કરવા માટે ઈરાન સામે પાંચ કડક શરતો મુકી

(એજન્સી)    નવી દિલ્હી તા.18:
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને શાંતિ વાર્તાના પ્રયાસો વચ્ચે એક મોટી ઘટના સામે આવી છે. ઈરાનની અર્ધ-સરકારી ન્યૂઝ એજન્સી ફાર્સના જણાવ્યા અનુસાર, અમેરિકાએ ઈરાનના તાજેતરના શાંતિ પ્રસ્તાવના જવાબમાં પાંચ કડક શરતો મૂકી દીધી છે. આ શરતોને કારણે બંને દેશો વચ્ચે ફરી એકવાર રાજકીય અને રાજદ્વારી હલચલ વધી ગઈ છે.
જો કે, આ શરતો અંગે હજુ સુધી વોશિંગ્ટન (અમેરિકા) કે તેહરાન (ઈરાન) તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ આ શરતોએ બંને દેશો વચ્ચે શાંતિની આશાઓને મોટો ઝટકો આપ્યો છે. ઇરાની મીડિયાના જણાવ્યા અનુસાર, અમેરિકાએ ઇરાનના પ્રસ્તાવને પલટી નાંખ્યો છે અને જે શરતો મૂકી છે તે આ પ્રકારે છે: 1. યુદ્ધનું કોઈ નુકસાન વળતર નહીં: અમેરિકાએ ઈરાનને કોઈપણ પ્રકારનું વળતર કે યુદ્ધની નુકસાની ચૂકવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. 2. યુરેનિયમ સોંપવાની શરત: ઈરાને પોતાની પાસે રહેલું 400 કિલોગ્રામ સંવધિર્ત યુરેનિયમ અમેરિકાને સોંપવું પડશે. 3. પરમાણુ કેન્દ્રો પર પ્રતિબંધ: ઈરાનને પોતાના દેશમાં માત્ર એક જ પરમાણુ પ્લાન્ટ (કેન્દ્ર) ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે. 4. સંપત્તિ મુક્ત કરવાનો ઈનકાર: અમેરિકાએ વિદેશોમાં જપ્ત કરાયેલી ઈરાનની સંપત્તિ અને ફંડને મુક્ત કરવાની માંગણી ફગાવી દીધી છે. 5. શરતો સાથે યુદ્ધવિરામ: વિવિધ મોરચે યુદ્ધવિરામને (સીઝફાયર) ત્યારે જ આગળ વધારવામાં આવશે, જ્યારે બંને પક્ષો વચ્ચે સત્તાવાર વાતચીત શરૂ થઈ જશે.