ઉમરેઠ વિધાનસભની પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર હર્ષદ પરમારનો વિજય

ઉમરેઠ વિધાનસભની પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર હર્ષદ પરમારનો વિજય

ઉમરેઠ તા. ૪
સ્થાનિક સ્વરાજ્યની જંગ પૂર્વે સેમીફાઈનલ ગણાતી ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે વિજયી હુંકાર કર્યો છે. મતગણતરીના પ્રારંભિક તબક્કાથી જ મતદારોનો મિજાજ સ્પષ્ટપણે સત્તાધારી પક્ષ તરફી જાેવા મળ્યો હતો. સ્વ. ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપની રણનીતિ અને સંગઠનનું જાેર કોંગ્રેસના વર્ષો જૂના અનુભવ સામે કસોટી સમાન સાબિત થયું છે. આ લખાઈ છે ત્યારે  ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે પોતાના પ્રતિસ્પર્ધી સામે ર૯પ૦૩ મતોની મજબૂત લીડ મેળવીને ભવ્ય વિજય મેળવ્યો છે.
ભાજપે આ બેઠક જાળવી રાખવા માટે વ્યૂહાત્મક રીતે સ્વ. ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને મેદાનમાં ઉતાર્યા હતા. પિતાના અવસાન બાદ ખાલી પડેલી બેઠક પર હર્ષદ પરમારને મળેલી જનતાની સહાનુભૂતિ અને ભાજપની મજબૂત સંગઠન શક્તિએ ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કર્યા છે. કોંગ્રેસે આ બેઠક આંચકી લેવા માટે ૧૫ વર્ષ સુધી ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બહોળો રાજકીય અનુભવ ધરાવતા ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી, પરંતુ ભાજપના સંગઠન સામે કોંગ્રેસના અનુભવી ઉમેદવાર પરાજય નિશ્ચિત બન્યો છે.
ઉમરેઠ બેઠક પર ઠાકોર-ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ છે, જે કુલ મતદારોના અંદાજે ૫૪ ટકા હિસ્સો ધરાવે છે. આ જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને બંને પક્ષોએ ક્ષત્રિય ઠાકોર ચહેરાઓ પર પસંદગી ઉતારી હતી. સ્વ. ગોવિંદભાઈ પોતે પણ ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવતા હોવાથી અને હર્ષદભાઈએ તે વારસો જાળવી રાખતા સમાજના મતોનું મોટાપાયે ધ્રુવીકરણ ભાજપ તરફ થયું હોવાનું મનાય છે. દરમ્યાન હર્ષદ પરમાર હરીફ ઉમેદવારને પાછળ રાખી ર૯પ૦૩ મતોથી આગળ રહેતા તેમનો ભવ્ય વિજય થયો છે.સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પહેલા ઉમરેઠની આ જીત ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાવશે, જ્યારે કોંગ્રેસ માટે આ પરિણામ આત્મમંથન સમાન બની રહેશે.